વિદેશથી ગેરકાયદે ફંડિંગ કરનારાઓ સુધી પહોંચવા માટે તખ્તો તૈયાર
આફમી ટ્રસ્ટને હવાલાથી રૃપિયા પુરા પાડનાર વિદેશી મદદગારો પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે.આ મદદગારો સુધી પહોંચવા અને ધરપકડ સુધીની તજવીજ કરવા માટે વડોદરા પોલીસ દ્વારા વધુ એક ટીમ બનાવવામાં આવનાર હોવાનું અને ગૃહવિભાગની મદદથી એમ્બેસી મારફતે વિદેશી મદદગારો સુધી પહોંચવા માટે તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. દુબઇથી હવાલા મારફતે રૃપિયા મોકલનાર ગુજરાત અને મહારાષ્ટ્રના આઠ જેટલા આંગડિયાઓ પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે. દુબઇના મુસ્તુફા શેખનું મુંબઇમાં હવાલાનંું મોટું નેટવર્ક હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.યુકેનો અબ્દુલ્લા રકમ ભેગી કરીને મુસ્તુફાને મોકલતો હતો અને મુસ્તુફા આ રકમ મુંબઇના આંગડિયાઓ મારફતે વડોદરાના આફમી ટ્રસ્ટના સલાઉદ્દીનને મોકલતો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રના આઠેક આંગડિયા મુસ્તુફાના સંપર્કમાં હોવાની વિગતો બહાર આવી છે.જેથી કોણે કેટલી રકમનો હવાલો પાડયો છે તેની તપાસ માટે એક ટીમ મુંબઇ જનાર છે.ધર્માન્તરણ કેસના ફંડિંગની તપાસ કરતી વડોદરા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા વિદેશથી ગેરકાયદે ફંડિંગ કરનારાઓ સુધી પહોંચવા માટે તખ્તો તૈયાર કરી રહી છે. વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટને દુબઇથી હવાલા મારફતે મળેલા રૃ.૬૦ કરોડ જેટલા ફંડનો ઉપયોગ ટ્રસ્ટના હેતુ વિરૃધ્ધ ધર્માન્તરણ, સરકાર સામે સીએએ આંદોલન, મસ્જિદોને મદદ તેમજ આરોપીઓને છોડાવવા માટે કરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવતાં વડોદરા પોલીસે ઉમર ગૌતમ અને આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ સામે ગુનો નોંધ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણના સુપરવિઝન હેઠળ પોલીસની એસઆઇટી દ્વારા ફંડિંગની તપાસ કરાતાં યુકે, યુએસએ,યુએઇ અને દુબઇથી મોટું ફંડ મળ્યું હોવાની વિગતો બહાર આવી છે.જેમાં યુકેના મજલિસ-એ-અલફલાહ ટ્રસ્ટના અબ્દુલ્લા ફેફડાવાલાએ રૃ.૬૦ કરોડ જેટલી રકમ દુબઇના મુસ્તાક મારફતે હવાલાથી મુંબઇ મોકલી હોવાની વિગતો ખૂલી છે.
Recent Comments