ડીસા-થરાદ હાઈવે પર રેલ્વે ઓવરબ્રિજ બનાવવા સંસદભવનમાં પરબત પટેલની રજૂઆત
બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે સંસદ ભવનમાં રેલ્વે મંત્રી પાસે ડીસા-થરાદ ફોર લાઈન ૫૪ નંબર હાઇવે પર આવેલા ગોઢા ફાટક પર ઝડપથી ઓર બ્રિજ બનાવવાની રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે વિસ્તારમાં વસ્તી વધુ હોવાથી તેમજ ટ્રાફિક પણ વધુ થતો હોવાથી અમે રેલવે પાસે ઓવરબ્રિજની માંગણી કરતા આવ્યા છીએ. ગુજરાત સરકારે ઓવરબ્રિજના નિર્માણ માટે ૫૦ ટકા રકમની મંજૂરી પણ આપી દીધી છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. છેલ્લા કેટલાય સમયથી પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે,
જાે કે આ હાઇવે પર પુલ બનાવવામાં આવે તો ૩ જેટલાં તાલુકાની ટ્રાફિક સમસ્યામાં રાહત થાય તેમ છે. જેને લઈ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે રેલવે વિભાગને તુરંત કામગીરી કરવા અને ઓવરબ્રિજનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી હતી.બનાસકાંઠા જિલ્લાના ડીસા-થરાદ ૫૪ નંબરના ફોર લાઈન હાઇવે પર ભીલડી-સમદડી સેક્શન રેલ્વે લાઈન સ્થિત છે. જેમાં ડીસા-થરાદ હાઇવે પર ગોઢા ફાટક પર ઝડપથી ઓવરબ્રિજ બનાવવા માટે સાંસદ પરબત પટેલે સંસદ ભવનમાં રેલવે વિભાગના મંત્રી પાસે માંગણી કરી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પુલ માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે.
Recent Comments