સુરતમાં દેશી હાથ બનાવટના તમંચા સાથે ફરતા શખ્સને SOGએ દબોચ્યો, આરોપીની કરી ધરપકડ
સુરત એસઓજી પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી એક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપીએ તમંચો મોપેડના સાઈડ સ્ટેન્ડની નીચે સંતાડેલો હતો. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ તમંચા સાથે ગોડાદરા વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ગોડાદરા રઘુવીરધામ સોસાયટી પાસે મોપેડ પર પસાર થઇ રહેલા બછરાજસિહ ઉર્ફે બબલુસિંહ જયરામસિહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની મોપેડની તલાશી લેતા મોપેડના સાઈડ સ્ટેન્ડની નીચે છુપાવેલો દેશી હાથ બનાવટનો ૫ હજારની કિમતનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે તમંચો અને મોપેડ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે તેની સામે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોધાયો છે. તેમજ પોલીસ તપાસમાં આરોપી વતનથી તમંચો લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં વધતા ક્રાઇમ રેટ ને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે તેવામાં સુરત પોલીસ વિવિધ ડ્રાઇવ ચલાવીને ક્રાઇમ રેટ ઓછુ કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.
Recent Comments