વડોદરામાં એટીએસએ ૨૦૦ કિલો ડ્રગ્સ પકડ્યું
ભરૂચ જિલ્લા એસઓજીની ટીમે પુનઃ પાનોલી જીઆઈડીસી સ્થિત ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરી હતી. આ વખતે કંપનીમાંથી એસઓજીની ટીમે અંદાજીત ૯૦ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પડકી પાડયો હોવાની માહિતી સાંપડી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત રુ. ૮૦થી ૧૦૦ કરોડ જેટલી થાય છે. આમ, એક જ સ્થળેથી બે દિવસમાં બે અલગ-અલગ રાજ્યની એજન્સીએ ડ્રગ્સનો કુલ ૬૦૦ કિલોથી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ બાદ વડોદરાના સાવલીમાં એક ફેક્ટરીમાં ગુજરાત એટીએસએ રેડ કરીને ૨૦૦ કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં રુ. ૧૦૦૦ કરોડ જેટલી કિંમત થાય છે. એટીએસએ સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે. એટીએસની ટીમે ડ્રગ્સનું વજન કર્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના મોકસી ગામની કંપનીમાંથી ૧૩ જેટલા મોટા બોક્સમાં ડ્રગ્સ ભરીને ગાડીમાં મૂકવામાં આવ્યું હતું. વડોદરાની જે નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને એટીએસની ટીમે ૨૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે તેના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું જણાયું છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિની પણ એટીએસની ટીમે અટકાયત કરીને પૂછપરછ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં પિયુષ પટેલ સુરતના વરાછા વિસ્તારના રહેવાસી હોવાનું અને છેલ્લા ઘણા સમયથી આ રીતે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળ્યું છે.
અત્યારસુધી ગુજરાત ડ્રગ્સના સપ્લાય માટે ભારતનો સિલ્કરુટ ગણાતું હતું. પરંતુ હવે ગુજરાતમાં જ ડ્રગ્સના ઉત્પાદનનો જાણે ગૃહઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો છે. ગુજરાતમાં બનતું એમડી ડ્રગ્સ મુંબઈ અને ગોવા સુધી સપ્લાય થાય છે. એટલું જ નહીં, ગુજરાતમાં પણ યુવા વર્ગમાં ડ્રગ્સના નશાનું દૂષણ સતત વધી રહ્યું છે અને ઘરેલુ ધોરણે બનતા ડ્રગ્સ વિષે રાજ્ય પોલીસ બેખબર છે.૧૫ ઓગસ્ટે ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજી દ્વારા સાવલીની આ ફેક્ટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી એક બે નહીં ૨૦૦ કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત ૧૦૦૦ કરોડ જેટલી થાય છે. આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ ગયું હોવાની એટીએસને શંકા છે. એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું. હવે આ રેકેટના તાર શોધવા માટે ગુજરાતી એટીએસ તપાસ કરી રહી છે. અમને મળી આવેલા ૨૦૦ કિલો ડ્રગ્સની અમે તપાસ કરી રહ્યા છે. આ ડ્રગ્સ ૬ મહિના પહેલા બન્યું હોવાનું આ જાણવા મળી રહ્યું છે. અન્ય કઈ કઈ જગ્યાએ અને કેટલું ડ્રગ સપ્લાય થયું તેની તપાસ અમે કરી રહ્યા છીએ.
મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હોવાની માહિતી છે અને કંપનીની પાછળના ભાગે એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. આ માહિતી મળતાં જ ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીના ૨૫થી વધુની ટીમે દરોડો પાડ્યો હતો અને સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટે પાયે એમડી ડ્રગ્સ મળી આવતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.ગુજરાત અત્યારે ડ્રગ્સના વિસ્ફોટ પર બેઠું છે.. છેલ્લા ૩ દિવસમાં ગુજરાતમાં કુલ ૮૦૩ કિલો એટલે કે પોણા ટનથી પણ વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. આમાંથી અડધો ટન જેટલો (૫૧૩ કિલો) જથ્થો તો મુંબઈની એન્ટિ-નાર્કોટિક્સ સેલ આવીને ભરુચની પાનોલી જીઆઈડીસીની કંપનીમાંથી પકડી ગઈ છે. જ્યારે ગુજરાત પોલીસે પાનોલીની એ જ કંપનીમાંથી વધુ ૯૦ કિલો એમડી ડ્રગ્સ પકડ્યું છે. હવે ગુજરાત એટીએસએ વડોદરા નજીક સાવલીની ફેક્ટરીમાંથી મંગળવારે ૨૦૦ કિલો એમડી ડ્રગ્સ પકડ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાત પોલીસના નાક નીચે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનો ધંધો ચાલતો હતો અને બહારના રાજ્યની પોલીસ દરોડો પાડી ગઈ. ભરુચની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ નામની કંપનીમાં ૧૩ ઓગસ્ટે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેડ કરી હતી. આ દરોડામાં એજન્સીએ અંદાજીત ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપ્યો હતો. જ્યારે ભરૂચ એસઓજીએ ફરીથી રેડ કરીને અંદાજીત ૮૦થી ૯૦ કિલો એમડી ડ્રગ્સ પકડી પાડતા ચકચાર મચી ગઇ છે. મુંબઈની ટીમે જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રુ. ૧,૦૨૬ કરોડ થાય છે. ટીમે સ્થળ ઉપરથી એક મહિલા સહિત ૭ આરોપીની અટકાયત કરી છે.
Recent Comments