સુરતના આંબોલીના માથાભારે ઈસ્મે ચાની લારી વાળાને માર માર્યો
સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં કઠોર ગામે માનસરોવર સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ નીનાભાઈ પાટીલ આંબોલી ગામની સીમમાં સાઈ ટી સ્ટોલ નામની લારી ચલાવે છે. રાત્રીના અર્જુનભાઇનાં બનેવી ગજાનનભાઈ લારી બંધ કરી રહ્યા હતા. તે સમયે લારી પાસે એક માથા ભારે ઇસમ આવ્યો હતો અને ગજાનનભાઈ પાસે વિમલ ગુટખા માગી હતી. ગજાનનભાઈએ વિમલના પૈસા માંગતા માથાભારે યુવાને પોતાનું નામ રહીશ સરફરાઝ સાદિક હોવાનું જણાવી પોતે કઠોર ગામનો દાદા હોવાનું કહ્યું હતું. બાદમાં માથાભારે યુવાન રહીશે લાકડીના સપાટે ગજાનનભાઈ પર હુમલો કરી લારી ઊંઘી કરી નાખી હતી.
ઘટના બાબતે ગજાનનભાઈએ તેમના સાળાને ફોન કરી જણાવતાં અર્જુનભાઇ તાત્કાલિક મોટર સાયકલ લઈ લારી પર ગયા હતા. જ્યાં લાકડીનો સપાટો લઈને ફરતા યુવાન રહીશને અર્જુનભાઈએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે યુવાને અર્જુનભાઈ પર પણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં બાજુમાં પંચરની દુકાનમાંથી ટોમી અને હથોડો લાવી અર્જુનભાઈની મોટર સાઈકલને હથોડા વડે ભારે નુકશાન કર્યું હતું. ચાની લારી પર આતંક મચાવનારા માથાભારે યુવાનની કરતૂત અર્જુનભાઈએ ફોન કરી કામરેજ પોલીસને જણાવી હતી.
પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવાનને પકડી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કામરેજના આંબોલી ગામની સીમમાં ચાની લારી ચલાવતા યુવકને એક માથા ભારે ઈસમે માર મારી મોટર સાયકલને નુકશાન કર્યું હતું. શખ્સે કઠોર ગામનો દાદા હોવાનું જણાવી પૈસા વગર વિમલ ગુટખા માંગતા ચાની લારી ચલાવતા યુવાને વિમલ નહિ આપતા માથાભારે ઈસમે લાકડીના સપાટે હુમલો કર્યો હતો. ઉપરાંત યુવકની મોટરસાયકલ સાથે પણ તોડફોડ કરી હતી.
Recent Comments