નવસારીની ડો.રઝીના કાઝીએ લદ્દાખ પાસે આવેલ માઉન્ટ યુનમ શિખર સર કર્યું
માઉન્ટ યુનમ હિમાચલના લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની નજીક આવેલ ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું ૨૦,૩૦૦ ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે. આ ટીમમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ડો.રઝીના કાઝીએ પણ ખભેથી ખભા મલાવીને શિખર સર કર્યું છે. રઝીના કાઝીનું ગ્રુપ અમદાવાદથી ૧૨મી ઓગસ્ટનાં દિવસે રવાના થયું હતું. આ પર્વતારોહણ કુલ ૭ દિવસનું હતું. જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી (૫૫૦૦ ફૂટ) પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ જિસ્પા પહોંચી હતી.
ત્રીજા દિવસે ભરતપુર કેમ્પ સુધી પહોંચ્યા હતા અને એક્લીમેટાઇસેશન માટે ટાઇગર હિલનો ટ્રેક કર્યો હતો. એડવાન્સ કેમ્પ સુધી લોડ ફેરી કરીને સામાન પહોંચાડ્યો હતો. એડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ છેવટે પાંચમાં દિવસે રાત્રે નીકળી ૮ કલાકની સતત ચઢાઈ બાદ તારીખ ૧૯મી ઓગસ્ટનાં સવારે ટીમના ૧૫ સભ્યોએ માઉન્ટ યુનમ શિખર (૨૦,૩૦૦ ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ ૨૧મી ઓગસ્ટનાં રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. માઉન્ટ યુનમ હિમાચલ પ્રદેશમાં પીરપંજાલ શૃંખલા માં આવેલ ૨૦,૩૦૦ ફૂટ ઊંચું શિખર છે. ૧૬ લોકોની ટીમમાંથી ૧૫ લોકોએ સફળતાપૂર્વક આરોહણ કર્યું. ૩ ગર્લ ટ્રેકરે પણ ભાગ લઈને સફળતા મેળવી છે. દ્રઢ મનોબળ, આકરી શારીરિક તાલીમ અને અદભૂત ટીમ વર્કના કારણે સફળતા મળી.
Recent Comments