વલસાડની એલસીબીની ટીમે કન્ટેનરમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
વલસાડની એલસીબી ટીમ દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન આરટીઓ ચેક પોસ્ટ ઉપર એક કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનમાથી ૫૬૫૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબીની ટીમે કન્ટેનર અને દારૂનો જથ્થો મળીને કુલ ૨૧.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવી આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ કન્ટેનર ચાલકને ઝડપી આગળની તજવીજ હાથ ધરી છે. દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ આપેલી સુચનના આધારે વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમને એક કન્ટેનર ન. એમએચ-૪૬-બીએમ-૨૮૫૪માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને કન્ટેનર ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબીની ટીમે ભિલાડ ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનર ચાલકને અટકાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે કન્ટેનરમાંથી ૧૭૩ પેટીમાં ૫૬૫૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે અનિલ કિશનારામ બીશ્નોઈ અટકાયત કરી હતી. તેમજ કન્ટેનર અને દારૂનો જથ્થો મળીને કુલ ૨૧.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી. તેમજ ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Recent Comments