વડોદરામાં વિશ્વામ્ત્રી નદીની સપાટી પર પૂરનો સંકટ
વડોદરામાં વિશ્વામ્ત્રી નદીની સપાટીમાં આજ બપોરથી ધીમો ઘટાડો શરૃ થયો છે, જેથી શહેર પરથી પૂરનું સંકટ હાલ ટળી ગયું છે, આજે દિવસ દરમિયાન ઉઘાડ રહ્યો છે. હવે બધો આધાર વરસાદ પર છે, જાે રાત્રે ભારે વરસાદ ન પડે તો જ શહેરીજનોને રાહત મળી શકશે. બપોરે નદીનું મહત્તમ લેવલ ૨૫.૦૬ ફૂટ હતું જે રાતે ઘટીને ૨૩.૭૮ ફૂટ થયું હતું. જયારે આજવા સરોવરનું લેવલ રાતે ૨૧૩.૩૬ ફૂટ નોંધાયું હતું. આજવામાથી પાણી છોડાતું જ નથી અને તેના ૬૨ ગેટ બંધ છે. વિશ્વામિત્રીનું ભયજનક લેવલ ૨૬ ફૂટ છે.
આજે સવારે નદી આ લેવલથી આશરે એક ફૂટ નીચે વહેતી હતી અને લેવલ ધીમી ગતિએ વધી રહ્યુ હતું એટલે પૂરનું સંકટ માથે ઉભુંજ હતું. આજવા સરોવરમાં પણ લેવલ ધીમી ગતિએ વધતું હતું. ગઇકાલે વડોદરામાં ભારે વરસાદ પડયા બાદ અને ઉપરવાસમાંથી આવક થતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપભેર આગળ વધી ગઇ હતી. જેના કારણે કોર્પોરેશનનું તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. લોકો ત્રીજી વખતપૂર આવશે તેવી દહેશતથી ભયભીત બની ગયા હતા. ગઇ રાત સુધી લેવલ ખૂબ ઝડપથી વધતુ ંહતું. રાત્રે બે વાગ્યે લેવલ ૨૪ ફૂટ પહોંચી ગયું હતું.
એ પછી સપાટીમાં વધારો ધીમી ગતિએ ચાલુ હતો. રાત્રે બે વાગ્યાથી સવારે ૧૧ વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં દશ કલાકમાં એક ફૂટથી થોડુ વધુ પાણી વધ્યું હતું. આજવા ખાતે પણ ગઇ રાત્રે ૧૧ વાગ્યે લેવલ ૨૧૩.૧૩ ફૂટ હતું. જેમાં આજે ૧૭ કલાક પછી તેમાં ૦.૨૦નો વધારો થયો છે. વરસાદ થંભી જવાના કારણે લેવલ વધવાની ગતિ ઘટી ગઇ છે. બીજી બાજુ વડોદરા શહેરમાં અફવા ફેલાતા કોર્પોરેશન તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઇએ અફવા પર ધ્યાન આપવું નહીં. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે નહીં. વિશ્વામિત્રીનું લેવલ ૨૫ ફૂટ સુધી થઇ જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. તંત્ર દ્વારા એનડીઆરએફની બે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને બચાવ કામગીરી માટે તરાપા રાખવામાં આવ્યા છે. આજે પૂરના સંકટના લીધે વડોદરાની શાળાઓ અને એમ.એસ. યુનિ. બંધ રાખવામાં આવી હતી. તંત્રનું માનવું છે કે પાણી ઉતરવાની શરુઆત થઇ છે તે દરમિયાન વરસાદ પડવો ન જાેઇએ. જાે વરસાદ પડે તો સ્થિતિ પાછી ચિંતાજનક બની જાય તેમ છે.
Recent Comments