fbpx
રાષ્ટ્રીય

પરિવારને ઓસ્ટ્રેલિયા જવા માટે નો એન્ટ્રી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતના ૩૨ ખેલાડીઓની પસંદગી કરાશે

બીસીસીઆઇ ગણતરીના દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમના ૩૨ સભ્યોની જાહેરાત કરે તેવી સંભાવના છે. ભારતીય ટીમ વર્તમાન આઇપીએલ પૂરી થયા બાદ યુએઇથી સીધી ઓસ્ટ્રેલિયા રવાના થશે જ્યાં તે ટેસ્ટ, વન-ડે તથા ટી૨૦ શ્રેણી રમશે. ત્રણેય ફોર્મેટ માટે કુલ ૩૨ સભ્યોની પસંદગી કરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પહેલાં ત્રણ ટી૨૦ ઇન્ટરનેશનલ તથા ૩ વન-ડે મેચની શ્રેણી રમાશે. આ પ્રવાસ બે મહિનાનો હોવાના કારણે કોઈ ખેલાડીને પ્રવાસની અધવચ્ચેથી ટીમના બાયો-બબલમાં સામેલ કરવો બીસીસીઆઇ માટે મુશ્કેલ બનશે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે પસંદગી સમિતિને તેઓ ઇચ્છે તેટલી મોટી ટીમને પસંદ કરી શકે છે તેવો નિર્દેશ કરી દેવામાં આવ્યો છે. અમે ઓસ્ટ્રેલિયાના પૂરા પ્રવાસ માટે બેક-અપ ખેલાડી તૈયાર રાખવા માગીએ છીએ. જાે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો અમારે કોઈ ખેલાડીને ભારતથી મોકલવો પડે તેવી સ્થિતિ ઊભી થાય નહીં તેવું અમે ઇચ્છી રહ્યા છીએ. સહાયક સ્ટાફ સહિત કુલ ૫૦ લોકો ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા એડિલેડ રવાના થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલાં મર્યાદિત ઓવર્સની શ્રેણી રમાવાની છે. આ સ્થિતિમાં જે ખેલાડીઓ ટેસ્ટ ટીમના સભ્ય નહીં હોય તેમને વતન પરત મોકલી દેવામાં આવશે. ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી આઇપીએલની ૧૩મી સિઝનનો હિસ્સો નથી પરંતુ બંને હાલમાં યુએઇ છે અને ત્યાં જ તેમના માટે બીસીસીઆઇએ વિશેષ પ્રેક્ટિસ મેચ તથા નેટ્‌સની વ્યવસ્થા કરી છે.
આઇપીએલની ૧૩મી સિઝનમાં બીસીસીઆઇએ ખેલાડીઓને તેમના પરિવાર સાથે લાવવા કે નહીં તેનો ર્નિણય ફ્રેન્ચાઇઝી ટીમો ઉપર છોડયો હતો. આ સ્થિતિમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ઘણાં ક્રિકેટર્સની પત્ની તથા ગર્લફ્રેન્ડ હાલમાં યુએઇમાં છે. જાેકે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટર્સને તેમના પરિવાર સાથે જવાની મંજૂરી આપી નથી. હાલમાં યુએઇ રહેલા પ્લેયર્સના પરિવારને આઇપીએલ પૂરી થયા બાદ વતન પરત ફરવું પડશે.

Follow Me:

Related Posts