fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમણનો આંક ૯૩ લાખને પાર, ૨૪ કલાકમાં ૪૩ હજાર નવા કેસ

દેશમાં કોરોના વેક્સીનના ટ્રાયલ અને તે ક્યાં સુધીમાં ઉપલબ્ધ થશે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ કોરોના સંક્રમણના કેસો ૯૩ લાખથી વધી ગયા છે. રાહતની બાબત એ છે કે હાલમાં ૪.૫૫ લાખ જ એક્ટિવ કેસો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૨૪ કલાકમાં ૪૩,૦૮૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૩,૦૯,૭૮૮ થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૭ લાખ ૧૮ હજાર ૫૧૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલમાં ૪,૫૫,૫૫૫ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૫,૧૭૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૩,૭૦,૬૨,૭૪૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૧,૩૧,૨૦૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૫૬૦ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૩૦૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ ના કારણે ૧૬ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૯૨૨ થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૨૦,૩૫,૦૯ નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૪,૫૨૯ છે. આજે રાજ્યમાં કુલ ૭૦,૮૨૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૦.૯૩ ટકા છે.

Follow Me:

Related Posts