fbpx
રાષ્ટ્રીય

લગ્નનું વચન આપી ‘સંબંધ’ બાંધવો હંમેશા રેપ નથીઃ દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ફેંસલા

જાે મહિલા લાંબા સમયથી પોતાની મરજીથી ‘સંબંધ’માં હોય તો તે રેપ નથી, જાે સંબંધ લાંબો અને અનિશ્ચિત સમય સુધી રહ્યો હોય તો લગ્નના વચનને સેકસ માટે લાલચ ગણી ન શકાય

નવી દિલ્હીલગ્નનું વચન આપી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર કહી ના શકાય તેવું દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે જાે મહિલા લાંબો સમય કોઈ વ્યક્તિ સાથે રિલેશનમાં રહી હોય, અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોય તો તેને રેપ કહી શકાય નહીં. કોર્ટે આ તારણ એક મહિલા દ્વારા કરાયેલી અરજી પર સુનાવણી કરતા આપ્યું હતું, જેમાં મહિલાએ એક પુરુષ વિરુદ્ધ લગ્નનું વચન આપી પોતાના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
કોર્ટે મહિલાની પિટિશન ફગાવી દેતા જણાવ્યું હતું કે તે મહિનાઓ સુધી આરોપી સાથે પ્રેમસંબંધમાં રહી છે. તેવામાં પ્રેમીએ તેને લગ્નની લાલચ આપીને તેના પર વારંવાર બળાત્કાર કર્યો છે તેવો આરોપ તે મૂકી શકે નહીં. જસ્ટિસ વિભુ બાખરુએ આ ચુકાદો આપતા એવી નોંધ પણ કરી હતી કે આ આરોપ ત્યારે જ ટકી શકે કે જ્યારે મહિલા ક્ષણવાર માટે આરોપીની વાતમાં આવી જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી બેસે.
કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના કેસમાં લગ્નનું વચન શારીરિક સંબંધ બાંધવા માટે અપાયું હોઈ શકે છે, પરંતુ તેનો મતલબ એમ નથી કે વચન આપનાર ખરેખર તેમ કરવા ઈચ્છતો જ હશે. જાે સામેવાળી વ્યક્તિ તેના માટે કદાચ ના પાડવા ઈચ્છતી હોય તો પણ ક્ષણભરના આવેશમાં આવી જઈ તે આ વચનને સાચું માની લઈ શારીરિક સંબંધ માટે તૈયાર થઈ જાય તો તેને બળાત્કાર કહી શકાય.
જાેકે, સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્નના વચનને લઈને અનેકવાર શારીરિક સંબંધ બંધાય, અને ચોક્કસ ગાળા દરમિયાન તે ચાલુ રહે તો તેની મરજી વિરુદ્ધ આ સંબંધ બંધાઈ રહ્યા છે તેવું માની શકાય નહીં. હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવા માટે અપાયેલા આદેશને બરકરાર રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં મહિલાએ દાવો કર્યો હતો કે લગ્નનું ખોટું વચન આપી તેની સાથે તેના પ્રેમીએ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, અને ત્યારબાદ તે બીજી સ્ત્રી માટે તેને છોડીને જતો રહ્યો હતો.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે એ પ્રસ્થાપિત થાય છે કે મહિલાએ પોતાની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા, અને તેને પોતાના પ્રેમી પ્રત્યે આકર્ષણ પણ હતું. જેમાં લગ્નના ખોટા વચનની વાત ક્યાંય વચ્ચે આવતી જ નહોતી. વળી, મહિલાએ પોતે જ જણાવ્યું છે કે તેમની વચ્ચે ૨૦૦૮માં શારીરિક સંબંધ બંધાયો હતો, અને તેના ત્રણ કે ચાર મહિના બાદ પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ બંને ભાગી ગયા હતા. તેનાથી તે પ્રસ્થાપિત થાય છે કે મહિલાએ પોતાની મરજીથી શારીરિક સંબંધ બનાવ્યા હતા. તેવામાં તે બળાત્કારનો આરોપ મૂકી શકે નહીં.

Follow Me:

Related Posts