રામ મંદિર માટે ૧૨ જ કલાકમાં ૨૩ કરોડનુ દાન, રાષ્ટ્રપતિએ આપ્યા પાંચ લાખ
અયોધ્યામાં બનવા જઈ રહેલા ભવ્ય રામ મંદિર માટે દાનનો પ્રવાહ શરુ થઈ ગયો છે. ૧૫ તારીખથી વિશ્વ હિન્દુ પરિષદે દેશમાં ફાળો ઉઘરાવવા માટે અભિયાન શરુ કર્યુ છે અને તેની શરુઆત રાષ્ટ્રપતિના હાથેથી પાંચ લાખનો ચેક લઈને કરાઈ હતી.એ પછી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક લાખ રુપિયાનુ ડોનેશન આપ્યુ હતુ.
માત્ર ૧૨ જ કલાકમાં મંદિર માટે કુલ ૨૩ કરોડ રુપિયા ભેગા થઈ ચુક્યા છે.મંદિર ટ્રસ્ટના સૂત્રોના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં મંદિર માટે ૧૦૦ કરોડ રુપિયાની સહાય આવી ચુકી છે અને ૪૫ દિવસમાં ૨૦૦૦ કરોડ રુપિયાનુ ડોનેશન મળે તેવી શક્યતા છે.
વિશ્વ હિન્દુ પરિષદે ૧૫ જાન્યુઆરીથી મંદિર માટે સહાય મેળવવા દેશ વ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.જેનો પહેલો તબક્કો ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે.જેમાં માત્ર એવા લોકોનો સંપર્ક કરાશે જે સમાજમાં ઓળખ ધરાવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે.
બીજા તબક્કામાં ૧ થી ૨૭ ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે ફરીને રામ મંદિર માટે અભિયાન ચલાવાશે.દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી વિહિપે પહેલા તબક્કાની શરુઆત કરી છે અને રાષ્ટ્રપતિએ મંદિર માટે વ્યક્તિગત રીતે પાંચ લાખ રુપિયાનો ફાળો આપ્યો છે.
Recent Comments