સાકિબની બેઝ પ્રાઈઝ ૨ કરોડ અને શ્રીસંતની ૭૫ લાખ રૂપિયા IPLહરાજીઃ સચિનના પુત્ર અર્જુને કરાવ્યું રેજિસ્ટ્રેશન, બેઝ પ્રાઇસ ૨૦ લાખ રુપિયા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-૨૦૨૧) ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની આગામી સિઝન માટે ૧૮ ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી યોજાશે. જેમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પણ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત બાંગ્લાદેશના ઓલ-રાઉન્ડર સાકિબ અલ હસન અને શ્રીસંત સહિત ૧૦૯૭ ખેલાડીઓ સામેલ છે. જાેકે, ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટ અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે આ હરાજીમાં સામેલ નહીં થવાનો ર્નિણય કર્યો છે.
ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં સામેલ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પણ હરાજી માટે રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. અર્જુન ડાબોડી ઝડપી બોલર છે. અર્જુને પોતાની બેઝ પ્રાઈઝ ૨૦ લાખ રૂપિયા રાખી છે. અર્જુને તાજેતરમાં જ મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ભારતના ૮૧૪ અને વિદેશના ૨૮૩ ખેલાડીઓએ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝના ૫૬, ઓસ્ટ્રેલિયાના ૪૨ તથા સાઉથ આફ્રિકાના ૩૮ ખેલાડી સામેલ છે.
ભ્રષ્ટાચાર અંગે રિપોર્ટ નહીં કરવા બદલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રતિબંધનો સામનો કરી ચૂકેલા બાંગ્લાદેશના ઓલ-રાઉન્ડર સાકિબ અલ હસને પોતાની બેઝ પ્રાઈઝ ૨ કરોડ રૂપિયા રાખી છે. જ્યારે સાત વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પુનરાગમન કરનારા ભારતીય ઝડપી બોલર શ્રીસંતે પોતાની બેઝ પ્રાઈઝ ૭૫ લાખ રૂપિયા રાખી છે. ૩૭ વર્ષીય શ્રીસંત પર ૨૦૧૩ની આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં ભૂમિકા માટે બીસીસીઆઈ દ્વારા આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. જાેકે, બાદમાં તેને ઘટાડીને સાત વર્ષનો કરવામાં આવ્યો હતો.
ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ, કેદાર જાધવ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઈન અલી, સેમ બિલિંગ્સ, જેસન રોય, માર્ક વૂડ, લિયામ પ્લેન્કેટ અને કોલિન ઈન્ગ્રામે પોતાની બેઝ પ્રાઈઝ ૨ કરોડ રૂપિયા રાખી છે. હનુમા વિહારી (૧ કરોડ) અને ચેતેશ્વર પૂજારા (૫૦ લાખ)એ પણ હરાજી માટે રેજિસ્ટ્રેશન કરાવ્યું છે.
Recent Comments