સરકારે ટેલિકોમ કંપનીની ૯૨૦૦ કરોડની બેંક ગેરંટી જારી કરી
ટેલિકોમ વિભાગે ઓક્ટોબરમાં ટેલિકોમ ઓપરેટરોની ફાઇનાન્સિયલ બેંક ગેરંટીની ૮૦ ટકા જરૂરિયાતો ઘટાડી હતી. ટેલિકોમ લાયસન્સ માટે અગાઉ ૨૨૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી ચૂકવવી પડતી હતી. જે હવે ઘટીને ૪૪ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આ માટે સરકારે આ અંગેના નિયમોમાં સંશોધન કર્યુ છે. આવી જ રીતે ટેલિકોમ ઓપરેટરોને હવે એક સર્કલ દીઠ મહત્તમ ૮.૮ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવાની રહેશે. જે અગાઉ ૪૪ કરોડ રૂપિયા હતી. આ દરમિયાન બ્રિટનની જાયન્ટ ટેલિકોમ કંપની વોડાફોને આજે જણાવ્યું હતું કે તેણે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ વિવાદના સેટલમેન્ટ માટે સરકારમાં અરજી કરી છે. વોડાફોને વધુમાં જણાવ્યું છે કે તેને અગાઉથી જ વિશ્વાસ હતો કે તેને કોઇ ટેક્સ ચુકવવાનો થતો નથી. ઉલ્લેખનીય છે કે સરકારે ઓગસ્ટમાં પાછલી અસરથી ટેક્સ નાખવાના નિયમને દૂર કરવા માટે કાયદામાં સંશોધન કર્યુ હતુૂ. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે ઓક્ટોબર, ૨૦૧૦માં વોડાફોન પાસેથી ૧૧,૨૧૮ કરોડ રૂપિયાના ટેક્સની માગ કરી હતી.ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જીઓની કુલ ૯૨૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જારી કરી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ બેંક ગેરંટી લાયસન્સ ફી, સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ પેટે ટેલિકોમ કંપનીઓ દ્વારા જમા કરાવવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિફોર્મ પેકેજ હેઠળ આ બેંક ગેરંટી જારી કરવામાં આવી છે. ભારતી એરટલ માટે ૪૦૦૦ કરોડ રૂપિયા, વોડાફોન આઇડિયા લિમિટેડ માટે ૨૫૦૦ કરોડ રૂપિયા અને રિલાયન્સ જીઓ માટે ૨૭૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જારી કરવામાં આવી છે.
Recent Comments