દિલ્હીના દારૂ કૌભાંડમાં સીબીઆઈએ ૮ આરોપીઓ સામે લુકઆઉટ જાહેર કર્યું
દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે સીબીઆઇએ રવિવાર સાંજે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે આઠ આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. નોંધનીય વાત એ છે કે, સીબીઆઇએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે કોઈ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું નથી. જે લોકોને સર્ક્યુલર જાહેર કર્યું છે. તેમાં વિજય નાયર, અમનદીપ ઢાલ, સમીર મહેન્દ્રુ, અમિત અરોરા, દિનેશ અરોરા, સની મારવાહ, અરૂણ રામચંદ્રીય પિલ્લઈ અને અર્જુન પાંડે છે. તેમાંથી વિજય નાયર અને દિનેશ અરોરા હાલ વિદેશમાં છે.
આ મામલે જાેડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આબકારી વિભાગના ત્રણ પૂર્વ અધિકારીઓ સહિત પ્રાથમિકતામાં ચાર લોક સેવકો સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું નથી. અધિકારીઓએ કહ્યું કે, સીબીઆઇએ અત્યાર સુધી લોક સેવક સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવાની જરૂરિયાત અનુભવી નથી. કેમ કે, સરકારને જાણ કર્યા વગર દેશ છોડી શકતા નથી. એજન્સીએ એફઆઇઆરમાં કુલ ૯ ખાનગી વ્યક્તિને આરોપી બનાવ્યા છે.
જેમાં મનોરંજન તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓનલી મચ લાઉડરના પૂર્વ સીઇઓ વિજય નાયર, પર્નોડ રિકાર્ડના પૂર્વ કર્મચારી મનોજ રાય, બ્રિંડકો સ્પિરિટ્સના માલિક અમનદીપ ઢાલ, ઇન્ડોસ્પિરિટના એમડી સમીર મહેન્દ્રુ અને હૈદરાબાદના અરૂણ રામચંદ્ર પિલ્લાઈ સામેલ છે. તેમણે કહ્યું કે, મનોજ રાયની સામે અત્યાર સુધી કોઈ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા સિસોદિયાએ દાવો કર્યો હતો કે સીબીઆઇએ આબકારી નીતિ મામલે તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. તેમણે આ પગલાને નાટક ગણાવ્યું.
સિસોદીયાના ત્રણ નજીકના સહયોગીઓને પણ એફઆઇઆરમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. તેમાં ગુડગાંવના બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર અમિત અરોરા, દિનેશ અરોરા અને અર્જૂન પાંડેનો સમાવેશ થાય છે. સિસોદિયા આબકારી નીતિના અમલીકરણમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆરમાં ૧૫ લોકો સામેલ છે. સીબીઆઇએ શુક્રવારના આ કેસની તપાસ સંદર્ભમાં સિસોદિયાના ઘર સહિત ૩૧ જગ્યાએ દરોડા પાડ્યા હતા.
Recent Comments