fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ : હનીટ્રેપ પ્રકરણમાં મહિલા એએસઆઇનું નામ ખુલતા ધરપકડ

શહેરના નાણાવટી ચોકમાં રહેતા સ્પા સંચાલકે તેની પત્ની સાથે મળી પત્નીના મોરબી રહેતા વેપારી મિત્રને ફસાવ્યો હતો. દંપતી અને જીઆરડીના બે જવાનોએ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી વેપારી પાસેથી રૂ.22,500 પડાવી લીધા હતા અને વધુ રૂ.2 લાખનો સોદો નક્કી કર્યો હતો. પોલીસે પાંચેય આરોપીને ઝડપી લીધા હતા.આ ગુન્હાની તપાસ યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે આગળ વધારતા રાજકોટ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ પણ સંડોવાયેલા હોવાનું ખુલતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ આદરી છે. હનીટ્રેપનો ભોગ બનનાર મોરબીના જમના ટાવરમાં રહેતા અને ફરસાણનો વેપાર કરતા સંજય હીરાભાઇ સોમૈયા (ઉ.વ.46)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ચાર વર્ષથી અલ્પાના પરિચયમાં હતો, પરંતુ ચાર મહિનાથી મિત્રતા છોડી દીધી હતી. થોડા દિવસ પૂર્વે અલ્પાએ ફોન કરતા ફરીથી મોબાઇલ પર વાતચીત શરૂ કરી હતી.તા.4ના અલ્પાએ ફોન કરીને કહ્યું હતું કે, ‘મારો પતિ તા.7ના બહારગામ જવાનો છે, તું મારા ઘરે આવજે’. પ્રેમિકાએ ઘરે બોલાવતાં તા.5ના સવારે સંજય સોમૈયા પોતાની કાર લઇને રાજકોટ આવ્યો હતો અને અલ્પાના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનું બારણું બંધ કર્યું હતું અને થોડીવાર બાદ તેનો પતિ આશિષ તથા તેનો મિત્ર જય સુરેશ પરમાર ઘરમાં આવ્યા હતા અને અલ્પાની છેડતી કરી છે તેમ કહી વેપારી સંજયને ધમકાવવાનું શરૂ કર્યું હતું, આશિષે ફોન કરતાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતાં ગાયત્રીનગર મેઇન રોડ પર રહેતો શુભમ નીતિન શિશાંગિયા અને આરકે પાર્કનો રિતેષ ભગવાનજી ફેફર પટેલ ત્યાં પહોંચ્યા હતા અને બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.22,500 પડાવી લીધા હતા અને ફરિયાદ ન થવા દેવી હોય તો રૂ.5 લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. આ ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા અને પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે અલ્પા,તેનો પતિ આશિષ, જીઆરડીના બે જવાન શુભમ, રિતેષ અને જયને ઝડપી લીધા હતા.ત્યારબાદ આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં ખુલ્યું કે,હનીટ્રેપમાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા એએસઆઈ તૃષાબેન રામજીભાઈ બુહા(પટેલ)(રહે,મોરબી રોડ,સેટેલાઇટ ચોક,પાવન રેસેડેન્સી-9 રાજકોટ,મૂળ,સણથલી ગામ તા.જસદણ)ની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરી હતી.તપાસનિસ અધિકારી ફોજદાર જાડેજાએ જણાવ્યું હતું કે,હનીટ્રેપ થયા બાદ પોતે આ ગુન્હામાં સંડોવાયેલા નથી અને ગુન્હો છુપાવવા માટે મોરબીના વેપારીને જીઆરડી શુભમ અને રિતેશ તાલુકા પોલીસ મથકે લઈ આવ્યા હતા અને એએસઆઈ બુહાએ માત્ર માસ્કનો દંડ કરી જવા દીધો હતો. હનીટ્રેપની ઘટનામાં ઝડપાયેલા એક જીઆરડી અને એએસઆઈ ટી.આર.બુહા જ્યારે પ્ર.નગરમાં ફરજ બજાવતા ત્યારના બંનેને ઓળખતા હતા.જોકે હાલ,મહિલા એએસઆઈની વધુ પૂછપરછ આદરી છે તેમજ તેમને સસ્પેન્ડ કરવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Follow Me:

Related Posts