fbpx
સૌરાષ્ટ - કચ્છ

પોલીસ એક્શન મોડમાં : રાજકોટના અગ્નિકાંડ મામલે ગોકુલ હોસ્પિટલના તબીબ પ્રકાશ મોઢા, તેજસ કરમટાની સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ : ત્રણની અટકાયત

રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગતા 5 દર્દીઓ જીવતા ભૂંજયા હતા. જે મામલે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે માલવીયાનગર પોલીસ મથકે ગોકુલ હોસ્પિટલના ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા હોસ્પિટલની મંજૂરી લેનાર વિશાલ મોઢા, વર્કિંગ પાર્ટનર ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. આરોપીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓની ધરપકડ કરવામાં આવશે. હોસ્પિટલમાં રહેલી બેદરકારી અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.27ના રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના પ્રથમ માળે આઈ.સી.યુ. વોર્ડમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો દોડી ગયો હતો. તાત્કાલીક બનાવવાની જગ્યાએ પહોંચી ફાયર બ્રિગેડની ટીમ સાથે મદદમાં રહી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. વધુમાં ડીસીપીએ જણાવ્યું કે, બનાવની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તાત્કાલીક જગ્યાની વિઝીટ કરવામાં આવી હતી અને તેઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તટસ્થ ન્યાયીક તપાસ થાય તે હેતુથી SIT ( Special Investigation Tearn )ની રચના કરવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા સભ્ય તરીકે એસીપી જે.એસ.ગેડમે અને એસ.ઓ.જી.શાખાના પીઆઇ . આર.વાય.રાવલની નિમણુંક કરવામાં આવી હતી. હોસ્પીટલમાં આગ લાગી ત્યારે કુલ -૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહેલ હતા, જેમાંથી સાત દર્દીઓ આઈ.સી.યુ. વોર્ડમાં સારવારમાં દાખલ હતા. અન્ય દર્દીઓ આઈ.સી.યુ. રૂમની સામેના રૂમમાં તથા અન્ય વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. આઈ.સી.યુ. વોર્ડમાં આગ લાગતા આ સાત દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા હતા. અને બે દર્દીઓને સારવાર અર્થે ગોકુલ હોસ્પીટલ, કુવાડવા રોડ ખાતે લઈ જવાતા તેમના પણ કરૂણ મૃત્યુ થયા હતા. જ્યારે બાકીના દર્દીઓને એબ્યુલન્સ વાહનો મારફત વિધાનગર મેઈન રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલ તથા કુવાડવા રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ડીસીપીએ કહ્યું કે, આ બનાવ બાબતે માલવીયાનગર પોલીસ મથકે દર્દી કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ. 50, રહે. ન્યુ શક્તિ સોસાયટી રાજકોટ), રામશીભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ. 35, રહે. જસદણ, અર્જુનપાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં), રસીકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. 56, રહે. શિવનગર શેરી નં. 2 , ” રધુવીર ” , વેરાવળ – શાપર ), સંજયભાઇ અમૃતભાઇ રાઠોડ ઉ.વ. 27, રહે. પ્રહલાદ પ્લોટ 41, કેદાર કૃપા, કરણપરા ચોક) નીતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ. 61, રહે. ઇસ્કોન ફ્લેટ, શનાળા જી.મોરબી)ની મૃત્યુ નોંધ લેવાઈ હતી. અને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. પીએમ રીપોર્ટમાં ખુલાસો : એક દર્દીનું ગુગળાઈ જવાથી મોત થયું પી.એમ. રૂમ ખાતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ ઈન્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરાવી પેનલ ડોકટર મારફતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બનાવ સમયે ફરજ પર હાજર હોસ્પીટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, તેમજ કોવીડ હોસ્પીટલની મળેલ મંજુરી અંગેના લગત ડીપાર્ટમેન્ટના મંજુરીના કાગળો વગેરે દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરી આ બનાવને લગત જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમજ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના સી.સી.ટી.વી ના રેકોર્ડીંગ ડી.વી.આર, કબ્જે લઈ પરીક્ષણ માટે એફ.એસ.એલ કચેરી ગાંધીનગર ખાતે તાત્કાલીક મોકલવામાં આવ્યા હતા. તેમજ આ બનાવમાં મરણજનાર પાંચેય દર્દીઓના પી.એમ, રીપોર્ટ આવતા કેશુભાઈ લાલજીભાઈ અકબરીનું મૃત્યુ ગુંગળામણના કારણે અને અન્ય મૃતકોનું દાઝી જવાથી મોત થયાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી તપાસ દરમિયાન જણાય આવેલ કે, હોસ્પીટલમાં આઈ.સી.યુ. વોર્ડનું ઈમરજન્સી એક્ઝીટ બંધ હાલતમાં તેમજ તેના દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઉભો કરેલ હતો, આઈ.સી.યુ. વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો, સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા, ઈમરજન્સી સમયે હોસ્પીટલમાંથી બહાર જવા માટે કોઈ ઈમરજન્સી દરવાજો ન હતો, ફક્ત ચાર ફુટની પહોળાઈ ધરાવતા પગથીયા વાટે જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીકના બે દરવાજા આપેલ હતા ત્યાં કોઈપણ જાતના ફાયર સાઈન બોર્ડ કે અન્ય કોઈ રીફલેકટર દ્વારા ઈમરજન્સી એક્ઝીટ દર્શાવેલ ન હતું. આઈ.સી.યુ.ના દરવાજાની પહોળાઈ ત્રણ ફુટ ચાર ઈંચ જેટલી હતી, આઈ.સી.યુ. પાસે રાખવામાં આવેલ ફાયર એસ્ટીમ્યુશર્સનો ફરજ પરનો હાજર પેરા મેડીકલ સ્ટાફ તાલીમના અભાવે ઉપયોગ કરી શકેલ નહીં. ફરજ પરના મેડીકલ સ્ટાફને હોસ્પીટલ સંચાલક દ્વારા ફાયર ફાઈટીંગ કે ઈમરજન્સી રેસ્કયુ અંગેની તાલીમ આપવામાં આવેલ ન હતી, ઈવેકયુએશન પ્લાન બનાવવામાં આવેલ ન હતો , ઓટોમેટીક પ્રીન્કલ રસીસ્ટમની વ્યવસ્થા ન હતી , NBC તથા NABHI & FIRE SAFETY ની ગાઈડ લાઈનનું પાલન થતું ન હતું. તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોસ્પીટલના સંચાલકોની ગંભીર બેદરકારીના લીધે પાંચ દર્દીઓના મૃત્યુ થયા હોય ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલનું સંચાલન કરતા ડો.પ્રકાશ મોઢા ( ચેરમેન – ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેઓએ હોસ્પીટલની મંજુરી મહાનગરપાલીકા પાસેથી મેળવી છે તે તથા ડો.તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા તથા તપાસમાં નિકળે તેઓ વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકે ઇપીકો કલમ ૩૦૪ ( અ ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓ ડો.પ્રકાશ મોઢા, તથા વિશાલ મોઢા તથા તેજસ કરમટાના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી છે. અને રીપોર્ટ આબે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ગુન્હાની આગળની તપાસ રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળાને સોપવામાં આવી છે.

Follow Me:

Related Posts