લો બોલો…સાયલાનાં મુક્તિ ધામમાં જુગારનાં અડ્ડો… છ જુગારી ઝડપાયા
સાયલા પોલીસે પાનવાડી વિસ્તારમાં આવેલ એક સ્મશાનની ઓરડીમાં જુગારનાં અડ્ડા પર છાપા મારતાં છ જુગારી ઝડપાયા હતા. પોલીસે રોકડ, મોબાઈલ તેમજ ચાર મોટર સાયકલ સહિત આશરે પોણા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી છે.
સાયલા પાનવાડી વિસ્તારમાં આવેલા મુક્તિધામની ઓરડીમાં ગામનો જ એક શખ્સ બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી રહ્યો હોવાની પૂર્વ બાતમીનાં આધારે પીએસઆઇ નિતિનદાન ગઢવી, એ. બી ગૌસાઇ, જલાભાઇ, લીંબડી સહીતનાં પોલીસ કાફલાએ છાપો મારતા મુક્તિ ધામની ઓરડીમાંથી મીની જુગાર ધામ ઝડપાયું હતું. પોલીસે જુગારનો અડ્ડો ચલાવતા મુખ્ય સુત્રધાર એવા રોહિત મકવાણા રહે. આંબેડકર નગર સાયલાને દબોચી લેવા સાથે જુગાર રમતાં ગોવિંદભાઈ ભલાભાઇ વાઘોડિયા, ઘનશ્યામ કાનજીભાઈ ગુગલીયા, છના પ્રભુભાઇ ભોજવીયા, રમજાન અકબરભાઇ ઠાસરીયા તેમજ કેશુ માવજીભાઇ સોલંકી તમામ રહે. સાયલા વાળાઓને પકડી પાડયા હતા.
પોલીસે મુક્તિ ધામની ઓરડીમાં ઝડપાયેલ છ જુગારી પાસેથી તેમજ પટમાંથી રોકડા ૨૧,૫૦૦, પાંચ મોબાઇલનાં ૧૧,૫૦૦ તેમજ ચાર મોટર સાયકલ ૧.૨૪ લાખ સહિત કુલ રૂપિયા ૧,૭૨,૫૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે જુગાર ધામ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments