fbpx
વિડિયો ગેલેરી

40 સીમકાર્ડ અને 17 મોબાઇલ સાથે અમરેલી જિલ્લા જેલમાં ચાલતો ગેરકાયદેસર પીસીઓ ઝડપાયો

પાંચ ખૂંખાર કેદીઓ સહિત રાજકોટનાં એક તબીબની ધરપકડ : રાજકોટનો તબીબ જામીન મેળવવા ખોટા મેડીકલ સર્ટીફિકેટ કાઢી આપતો હતો : સમગ્ર કારસ્તાનમાં કુલ 11 આરોપીઓની સંડોવણી : છની હજુ ધરપકડ બાકી : પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનો સપાટોઅમરેલી જિલ્લા જેલમાંથી છાશવારે બીનવારસી મોબાઇલ મળી આવતાં હોય, જેને લઇ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી એલસીબી સહિતનાં અધિકારીઓની એક તપાસ ટીમ બનાવી જિલ્લા જેલમાં તપાસ હાથ ધરતાં જિલ્લા જેલમાં ગેરકાયદેસર પીસીઓ ચલાવતાં 5 જેટલા ખૂંખાર આરોપીને ઝડપી લીધા હતા. આ ઉપરાંત રાજકોટના એક તબીબ કે જેઓ કેદીઓના ખોટા મેડીકલ સર્ટીફિકેટ કાઢી આપતો હોવાનું પણ ઘ્યાને આવતાં આ રાજકોટનાં કેદીની પણ પોલીસે અટક કરેલ છે.

અમરેલી જિલ્લા જેલમાં આવેલ યાર્ડ નં.5ની બેરેક નં.9 અને 10માં ખૂંખાર આરોપીઓ રાખવામાં આવતાં હોય અને આ બંને બેરેકમાં વિવિધ સગવડતાં ધરાવતાં ખુંખાર કેદીઓ જેવા કે કાંતિભાઇ મુળજીભાઇ વાળા કે જેમની સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
શિવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઇ વિંછીયા કે જેમની સામે ત્રિપલ હત્યા, ગેરકાયદેસર હથિયાર રાખવા, વિદેશી દારૂ તથા ગુજટોક જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે. શૈલેષ નાથાભાઇ ચંદુ સામે પણ ત્રિપલ હત્યા, ખૂનની કોશીષ, લૂંટા, મારામારી , ગુજટોક જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે. લાલસિંગ જયતાભાઇ બોરીચા જેમની સામે પણ ગુજટોક સહિત 10 ગુનાઓ નોંધાયા છે.સુરા સાર્દુલભાઇ હાડગરડા કે જેમની સામે પણ બળાત્કાર, લૂંટની કોશીષ, છેતરપીંડી જેવા 6 ગંભીર ગુના નોંધાયા છે.
આ ઉપરાંત અમરેલીનાં ઇરફાન ઉર્ફે ટાલકી મહમદભાઇ ખીમાણી ગેરકાયદે હથિયારના ગુનાઓ નોંધાયા આ તમામ આરોપીને એક જ સાથે ભેગા રાખવામાં આવ્યા હતાં.
આ તમામ આરોપીઓ દ્વારા કુલ 40 જેટલા સીમકાર્ડ તથા 17 જેટલા મોબાઇલ ફોન જેલની બહારના વ્યકિતઓ તથા જેલમાં કેટલાક કેદી સાથે મળી જિલ્લા જેલની અંદર રહેલા કેદીઓએ આર્થિક ફાયદો મેળવવા સારૂ ખોટા ઓળખપત્ર, ખોટુ નામ ધારણ કરી સીમકાર્ડ મેળવ્યા હતાં.
આ તમામ મોબાઇલ ફોન તથા સીમકાર્ડના આધારે જેલ બહાર રહેલા જેલનાં કેદીઓને અથવા તો જેલની બહાર રહેલ લોકોને જેલમાં કેદીઓ સાથે વાત કરાવી આપવામાં આવતાં અને આવા તમામ ફોનનો ઉંચો દર વસુલી કરવામાં આવતો હતો. આ પ્રકારે અમરેલી જિલ્લા જેલમાં ગેરકાયદે પીસીઓ ચલાવતાં હતા. તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પીસીઓ ચલાવતાં શખ્સોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
આ ગેરકાયદે સીમકાર્ડની તપાસ દરમિયાન જ અમરેલી પોલીસ તપાસ ટીમને ઘ્યાને આવેલ કે અમરેલી જિલ્લા જેલમાં રહેલ કેદી કાંતિભાઇ મુળજીભાઇ વાળાએ રાજકોટ ગામે રહેતાં તબીબ ડો.ધીરેન મોરારભાઇ વાઘેલા પાસેથી પોતાને જેલમાંથી બહાર આવવા અને જામીન મેળવવા ખોટા મેડીકલ સર્ટીફિકેટલ બનાવેલ હતાં. આ ઉપરાંત જિલ્લા જેલનાં અન્ય કેદીઓને આવા ખોટા મેડીકલ સર્ટીફિકેટ મેળવવામાં ડોકટરનો સંપર્ક કરાવી આપતો હોવાનું ઘ્યાને આવેલ હતું.
આમ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન નીચે ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કરમટા, એમ.એ.મોટી (એસઓજી), જે.એમ.કડછા, પીએસઆઇ કોમ્પ્યુટર સેલ સહિતનાં અધિકારીઓએ જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
આરોપી નરેશ ઉર્ફે નરસીભાઇ ભીખાભાઇ વાળા, શિવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઇ ઉર્ફે. રામભાઇ વિંછીયા, લાલસિંહભાઇ બોરીચા, નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણી, ગૌતમ નાજકુભાઇ ખુમાણ તથા રાજકોટ રેસકોર્ષ રામેશ્વર ચોક ખાતે રહેતા ડો.ધીરેન મોરારભાઇ ધીવાળાની અટકાયત કરી તેમની પાસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ તપાસ દરમ્યાન આ પીસીઓ ચલાવવામાં યેનકેન પ્રકારે સંડોવાયેલા આરોપી કે જેમાં હજુ જિલ્લામાં રહે છે તેવા કાંતિભાુ મુળજીભાઇ વાળા,સુરેશ ઉર્ફે સુરાતભાઇ હાડગરડા, શૈલેષ નાથાભાઇ ચાંદુ, દાદુ નાથાભાઇ ચાંદુ, ઇરફાન ઉર્ફે ટાલકી મહમદભાઇ ખીમાણી તથા જેલ બહાર રહેલ આરોપી ભુપત હિરાભાઇ વાઘેલાની ધરપકડ કરવાની બાકી હોય તેમનો જેલમાંથી કબ્જો મેળવવા કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને બનાવમાં ઝડપાયેલા 6 આરોપી તથા હજુ પકડવાનાં બાકી છે તેવા 6 આરોપી પૈકી 11 જેટલા આરોપી સામે 3 ગુનાઓથી લઇ 10-10 જેટલા ગંભીર પ્રકારનાં ગુનાઓ નોંધાયા છે.
આમ ઘણાં જ લાંબા સમયથી જેલમાં ચાલતા પીસીઓ તથા ખોટા મેડીકલ સર્ટીફિકેટના આધારે જેલમાંથી જામીન મેળવવા અંગેના કૌભાંડનો પર્દાફાશ થવા પામેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા અમદાવાદ ખાતે પણ આવુ એક કૌભાંડ તેઓએ ઝડપી પાડેલ હતું.

Follow Me:

Related Posts