અમરેલીના ફતેપુર ગામની સીમમાં 1ર વર્ષ પહેલા હત્યા કરી ફરાર થયેલ આરોપી ઝડપાયો

બાર વર્ષ પહેલા અમરેલીના ફતેપુર ગામની સીમમાં થયેલ ખૂનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.એ ઝડપી લીધેલ છે.
ગુન્હાની વિગત એવા પ્રકારની છે કે, ગત તા.13/7/09ના રોજ ફરિયાદી ખોડુભાઈ સામતભાઈ વાળા, રહે. લાલાવદર, ફરિયાદ આપેલ કે, પોતાના ભાઈ અમરૂભાઈ સામતભાઈ વાળાએ હંસાબેન સાથે પ્રેમલગ્ન કરેલ હતા. ત્યાર બાદ હંસાબેનના ચારિત્ર્ય બાબતે શંકા જતા પોતાના ભાઈ અમરૂભાઈ અને હંસાબેન વચ્ચે અણબનાવ રહેતો હતો. હંસાબેનને અન્ય વ્યકિત સાથે આડા સંબંધો હોય, પોતાના ભાઈ અમરૂભાઈ આ આડાસંબંધોમાં આડખીલી રૂપ બનતા હોય, જેથી (1) હંસાબેન વા./ઓ. અમરૂભાઈ સામતભાઈ (ર) રાજુભૈયા કલરવાળા (3) જયંતિ રાણવા એમ ત્રણેય જણાએ મળીને પોતાના ભાઈ અમરૂભાઈનું ખૂન કરી નાખી, પુરાવાનો નાશ કરવા માટે લાશને પથ્થર સાથે બાંધી ઉંડા પાણીમાં ફેંકી દીધેલ હોવાની ફરિયાદ આપેલ હોય, જે અંગે અમરેલી તાલુકા પો.સ્ટે.માં ગુન્હો રજિ. થયેલ હતો.
આ ગુન્હાને અંજામઆપ્યા બાદ આરોપી રાજુભૈયા કલરવાળો નાશી ગયેલ હતો અને છેલ્લા બાર વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતો ફરતો હતો.
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની અમરેલી જિલ્લામાં ગંભીર ગુન્હાઓને અંજામ આપી નાશી છૂટનાર અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી, તેઓને પકડી પાડી, તેઓ વિરૂઘ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન. મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી. ટીમે ચોકકસ બાતમી મેળવી, આ ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતા ફરતા આરોપીને વોચ ગોઠવી, અમરેલી-લાઠી રોડ, બાયપાસ ચોકડી પાસેથી ગઈકાલ તા. 30/11ના રોજ પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપી જયરામ ઉર્ફે રાજુભૈયા ચંદ્રદેવ ભારતી (ઉ.વ.4ર) ધંધો કલરકામ, રહે. હાલ કોઠારીયા, તા. ગોંડલ, મૂળ રહે. પીડાહની, પોલીસ સ્ટેશન બરહલગંજ, જિ. ગોરખપુર (ઉતરપ્રદેશ). પકડાયેલ આરોપી વિરૂઘ્ધ આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.
Recent Comments