આરોગ્ય સુખાકારી કાર્યક્રમ’ નો કાર્યક્રમ ભાવનગરના પાલિતાણા ખાતે યોજાયો
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત ‘આરોગ્ય સુખાકારી કાર્યક્રમ’ અંતર્ગતનો કાર્યક્રમ એ.પી.એમ.સી., પાલિતાણા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભાવનગરમાં ૧૦૦ ટકા રસીકરણ કરનાર ૫૬ ગામોના ૫૪ સરપંચ તેમજ ૪૦ શ્રેષ્ઠ કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ આ અવસરે જણાવ્યું કે, આ કોરોના વોરિયર્સે કોરોનામાં પોતાની જાતની પરવાં કર્યા વગર રાત- દિવસ કાર્ય કરીને અનેક લોકોના જીવ બચાવ્યાં હતાં. તો ભાવનગરના ૫૬ ગામોએ અભૂતપૂર્વ સજાગતા દાખવી કોરોના સામે રક્ષિત થવાં કોરોનાની રસી મૂકાવી હતી.
આ કામ માટે આ ગામોના સરપંચશ્રીઓએ પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. આ ગામના સરપંચોની સજાગતાને કારણે જ આ ગામોમાં ૧૦૦ ટકા કોરોના રસીકરણની કામગીરી કરી શકાઇ છે. તેથી તેઓ પણ ખરાં અર્થમાં સન્માનના અધિકારી છે અને આજે તેમનું સન્માન એ તેમની યશસ્વી કામગીરીનું સન્માન છે.
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ કોરોનાકાળમાં કપરી કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરી લશ્કરના જવાનથી જરાં પણ ઓછી નથી તેમ જણાવી જવાનો સરહદ પર દેશનું રક્ષણ કરે છે તો આ કોરોના વોરિયર્સ સમાજ વચ્ચે રહીને સમાજને સંરક્ષિત કરવાનું કાર્ય કરે છે.
આજે હેલ્થ ક્ષેત્રના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું તેમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, હેલ્થ સુપરવાઇઝર, લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માશિષ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વગેરેનો સમાવેશ થાય છે. ‘આરોગ્ય સુખાકારી કાર્યક્રમ’ના આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments