આવતીકાલે અમિત શાહ બે દિવસના બંગાળ પ્રવાસે જશે ભાજપે પશ્ચિમ બંગાળ સર કરવા ‘સ્પેશ્યલ-૭ ’ટીમ બનાવી
સાત કેન્દ્રીય નેતાઓની ટીમ બનાવાઇ, દરેકને છ લોકસભા સીટોનો પ્રભાર અપાશે
પશ્ચિમ બંગાળનો ગઢ જીતવા માટે ભાજપએ ખાસ રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે પાર્ટીએ સાત કેન્દ્રીય નેતાઓને મમતા દીદીના ગઢમાં પ્રવેશવાની જવાબદારી સોંપી છે. ભાજપની ‘સ્પેશ્યલ-૭’ ટીમમાં સંજીવ બાલિયાન, ગજેન્દ્ર શેખાવત, અર્જુન મુંડા, મનસુખ માંડવીયા, કેશવ મૌર્ય, પ્રધાનસિંહ પટેલ અને નરોત્તમ મિશ્રા સામેલ છે. આ તમામ નેતાઓ રાજ્યમાં પાર્ટીને પોત-પોતાના સ્તર પર મજબૂત કરશે અને મમતા બેનર્જીની નબળાઇઓ શોધી કાથીને તે મુજબ રણનીતિ ઘડશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની મુલાકાતે ૧૯-૨૦ ડિસેમ્બરે બંગાળ જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ આ નેતાઓ સાથે એક અલગ બેઠક કરશે. મિદનાપુરથી પરત ફર્યા પછી અમિત શાહ ૧૯ ડિસેમ્બરે સાંજે કોલકતામાં બધા નેતાઓને મળીને તેમનો ડ્રાફ્ટ તૈયાર કરશે.
કેન્દ્રીય નેતાઓમાંથી દરેકને છ લોકસભા સીટોનો પ્રભાર અપાશે. આપને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ ૪૨ લોકસભા સીટો છે, જેમને કવર કરવા માટે સાત નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ તમામ નેતા પોતાની સીટો પર પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરશે. હાઈકમાન્ડને લાગે છે કે કેન્દ્રીય નેતાઓ સ્થાનિક નેતાઓ અને પાર્ટીના કાર્યકરોની સાથે વધુ સારી રીતે વાતચીત કરી શકશે અને તેનો મોરચો સંભાળતા જ કાર્યકરોના ઉત્સાહમાં વધારો થશે.
દરેક કેન્દ્રીય નેતા બૂથ લેવલના કાર્યકરોની સાથે વરિષ્ઠ નેતાઓ વાતચીત કરશે અને તેમના પ્રતિસાદના આધારે રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ તમામ સાત નેતાઓ આવતીકાલે (૧૮ ડિસેમ્બર)થી બંગાળ પહોંચવાનું શરૂ કરશે. બિહાર વિધાનસભા અને કેટલાક રાજ્યોની પેટા-ચૂંટણીઓમાં મળેલી જીતથી ભાજપ ઉત્સાહિત છે. તેને પૂરો વિશ્વાસ છે કે આ વખતે તે મમતા બેનર્જીના કિલ્લાને તોડી પાડવામાં સફળ રહેશે. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ પર થયેલા તાજેતરના હુમલાથી ક્યાંક લાગે છે કે મમતા બેનર્જી પણ ભાજપની વધતી તાકાતથી ચિંતિત છે અને આ જ ચિંતામાં આવી ઘટનાઓને અંજામ આપી રહ્યાની ચર્ચા છે.
Recent Comments