કોરોનાકાળમાં ઘરની આર્થિક સ્થિતિ કથડતા એક જ દિવસમાં બે રત્ન કલાકારોએ જિંદગી ટૂંકાવી

સુરતમાં આપઘાતની સતત ઘટનાઓ બની રહી છે. આર્થિક પરિસ્થિતિ બગડતા અને પરિવારનું ભરણ પોષણ કરવામાં પડી રહેલી તકલીફને લઇને રત્નકલાકર તરીકે કામ કરતા એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજા યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બંને મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કોરોના મહામારી વચ્ચે આવેલા લોકડાઉન બાદ હજુ અનેક ધંધા પાટા પર ચઢ્યા નથી. જેના પગલે અનેક લોકો બેકાર બન્યા છે. બેકાર બનેલા લોકોની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. બીજી તરફ પરિવારની જવાબદારી માથે હોવાથી આવા લોકો હતાશ થઈને આપઘાત કરી રહ્યા છે. સુરતમાં એક જ દિવસમાં બે જેટલા રત્નકલાકરોએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.
પહેલા બનાવમાં મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના અયાવેજ ગામનો વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં માતૃશક્તિ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય નિલેશ બાબુભાઈ ચુડાસમા રત્નકલાકર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે આર્થિક તકલીફ સામે ઝઝૂમી રહ્યો હતો. જેને લઈને ગતરોજ તેણે આવેશમાં આવીને વનમાળી જંકશન પાસે અનાજમાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે સરથાણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલમાં ડિંડોલી વિસ્તારના રામીપાર્ક સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષીય વિશાલ સુદામણભાઈ પાટીલ પણ રત્નકલાર તરીકે કામ કરતો હતો. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે તેની નોકરી જતી રહ્યા બાદ તે સતત મહેનત કરવા છતાંય તેને કામ મળી રહ્યુ ન હતું. છેલ્લા કેટલાય સમયથી તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. જે બાદમાં યુવકે આવેશમાં આવીને ગતરોજ ઘરમાં કોઈ હજાર ન હતુ ત્યારે પંખા સાથે સાડીનો છેડો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
Recent Comments