‘મમ્મી-પપ્પા મને માફ કરજાે’ લખી કેનરા બેંકના ક્લાર્કનો આપઘાતઃ તપાસ ચાલુ
માતા-પિતા, બહેન અને ફિયાન્સીને સંબોધીને સ્યુસાઈટ નોટ લખી અડાજણ વિસ્તારમાં રહેતા કેનરા બેંકના ક્લાર્કે સોમવારે રાત્રી દરમિયાન ઘરના ધાબા પર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આવતા મહિને તેના લગ્ન લેવાયા હતા. દરમિયાન તેણે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અડાજણ, ટેકરાવાલા સ્કૂલ પાસે આવેલી કસ્તુરબા સોસાયટીમાં રહેતો પાર્થ જનકકુમાર મોદી (ઉ.વ. ૨૭) મજૂરાગેટ ખાતેની કેનેરા બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ગત સોમવારે રાત્રી દરમિયાન પાર્થે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાત્રીના બારેક વાગ્યાના અરસામાં તેની નાની બહેનપણી પાણી પીવા માટે ઉઠી હતી, ત્યારે પાર્થ રૂમમાં નહીં દેખાતા પિતા અને તેના મિત્રોને ફોન કર્યો હતો પરંતુ ક્યાંક તેની ભાળ મળી નહોતી. પાર્થ ધાબા પર લટાર મારવા ગયો હશે, એવી શંકા સાથે પિતા જનકકુમાર ધાબા પર તપાસ કરતાં તેની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ દેખાઈ હતી.
તપાસકર્તા હે. કો. મનોજભાઈએ જણાવ્યું હતું કે, પાર્થે આપઘાત કરતાં પહેલાં, મમ્મી-પપ્પા મને માફ કરજાે’ એવા શબ્દો સાથે માતાપિતા, નાની બહેનપણી અને ફિયાન્સીને સંબોધીને સ્યુસાઈડ નોટ લખી હતી. જે પોલીસે કબજે કરી છે. આવતા મહિને પાર્થના લગ્ન થવાના હતા. જાે કે, ઘરમાં તેના લગ્નનો ખુશીનો પ્રસંગ આવે તે પહેલાં અણધાર્યું પગલું ભરી લેતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. તેના આપઘાત પાછળનું કારણ શોધવા પોલીસની તપાસ ચાલી રહી છે.
Recent Comments