fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવ્યુ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જીવલેણ કોરોના વાયરસના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારે લૉકડાઉન ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવી દીધું છે. આ મામલે આજે રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે. આ પહેલા રાજ્ય સરકારે લોકડાઉનને ૩૧ જાન્યુઆરી સુધી લંબાવ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ સંજય કુમારે લૉકડાઉનને એક મહિના સુધી લંબાવવાનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. જેમાં કહેવામાં આવ્યું છે કરે, અગાઉ જે કાર્યોને ચાલુ રાખવામાં આવ્યા છે, જે ચાલુ રહેશે અને લોકડાઉન સંબંધિત અગાઉના તમામ આદેશ આગામી ૨૮ ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ત્રણ હજાર ૫૩૭ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૭૦ લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી ૧૯ લાખ ૨૮ હજાર ૬૦૩ કેસ સામે આવી ચુક્યા છે અને ૪૯ હજાર ૪૬૩ લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક ફેબ્રુઆરીથી મુંબઈ લોકલ ટ્રેન સેવા બધા માટે ઉપલબ્ધ હશે. જાણકારી અનુસાર સામાન્ય લોકો માટે લોકલ સેવા સવારે સાત કલાકથી બપોરે ૧૨ કલાક સુધી અને સાંજે ચાર કલાકથી નવ કલાકની વચ્ચે ઉપલબ્ધ નહીં હોય.

Follow Me:

Related Posts