લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકોને શિક્ષણ આપવા અંગે વર્કશોપ યોજાયો

આજે અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઑકની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન અમરેલી હેઠળ જિલ્લાના કુલ ૫૬ ખાણ-કામ પ્રભાવિત ગામોની ૮૭ પ્રાથમિક શાળાના અંદાજીત ૧૭૦૦૦ બાળકો પૈકી લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકોને શોધી તેઓને અન્ય બાળકોની હરોળમાં લાવી શકાય તે હેતુથી સ્લો-લર્નર પ્રોજેક્ટ અંતર્ગત આજે પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રી તેમજ મુખ્ય શિક્ષકોને માસ્ટર ટ્રેનર બનાવવા માટેનો ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન અમરેલી તેમજ પી. એન. આર. સોસાયટી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ખાણ-કામ સાથે સંકળાયેલા ગામોમાં ભણવામાં થોડા નબળા અથવા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકોને કેવી રીતે શિક્ષણ આપવું એ અત્યંત જટિલ વિષય છે અને આ વિષય ઉપર તમામ શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું તે પ્રશંશનીય છે. આ વર્કશોપ ઉપસ્થિત તમામ લોકો માટે લાભદાયી નીવડે એવી આશા વ્યક્ત કરી હતી.
આ વર્કશોપમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી. એ. ગોહિલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલ અઘેરા, પી.એન.આર. સોસાયટી ભાવનગરના સેક્રેટરી જનરલ શ્રી પારસ શાહ તથા બહોળી સંખ્યામાં વિવિધ શાળાઓના શિક્ષકો અને આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments