વડોદરાની આશાસ્પદ બ્રોન્ઝ મેડાલિસ્ટ સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે મોત
વકરેલા ડેન્ગ્યુના કારણે દેશે વડોદરાની આશાસ્પદ બ્રોન્ઝ મેડલીસ્ટ નેશનલ પ્લેયરને ગુમાવી છે. એક તરફ દેશની દીકરીઓ અને ખેલાડીઓ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી રહ્યા છે અને બીજી તરફ નેશનલ ખેલાડીઓ યોગ્ય સારવારની ઉણપ અને પાણી જન્ય રોગોથી જીવ ગુમાવે છે. શહેરના આજવા રોડ ખાતે યોગેશ્વર ટાઉનશીપમાં રહેતી ૧૯ વર્ષીય સાક્ષી રાવલ જુડોની આશાસ્પદ ખેલાડી હતી. ૧૯ વર્ષની ઉંમરે જ સાક્ષી રાવલે ૨૦૧૯માં ઝારખંડમાં યોજાયેલી નેશનલ લેવલની કરાટેની સુરાશ કોમ્પિટિશનમાં જુડોમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
થોડા દિવસો અગાઉ સાક્ષીને તાવ આવતા તેને નજીકની બે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેની તબિયત વધુ લથડતા એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં મગજ પર તાવ ચઢી જતા સાક્ષીનું મોત નીપજ્યું હતું. સાક્ષીને ડેન્ગ્યુના લક્ષણ હતા. પરંતુ ખાનગી હોસ્પિટલમાં ટાઈફોડની સારવાર કરવામાં આવી, તેથી ડોકટરોની નિષ્કાળજી અને મચ્છરજન્ય ડેન્ગ્યુથી જીવ ગુમાવ્યો હોવાનો આરોપ પરિવાર અને કોચ દ્વારા કરવામાં આવ્યો હતો.
પોતાની શિષ્યા અને નેશનલ લેવલની પ્લેયરને ગુમાવનાર કોચ અને સાથી ખેલાડીઓએ રડતી આંખે સરકારને પ્રાર્થના કરી છે કે કમ સે કમ દેશનું નામ રોશન કરનારા પ્લેયરને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને સાથે જ પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોથી કોઈ મોતને ન ભેટે તેનું પણ તંત્ર ધ્યાન રાખે.
Recent Comments