અમરેલી

સાવરકુંડલાનું વહીવટી તંત્ર ‘પ્રજ્ઞાચક્ષુ’?? :સીનિયર સિટીઝન પાર્કને તાળા અને બેંકના પગથિયાં વૃદ્ધો માટે બન્યા ‘હિમાલય’ સરીખા

ન્યાયની જે ચોખટ છે તેની નજીક આવેલ સિનિયર સિટીઝન પાર્ક પર અલીગઢી તાળા જણાય છે. 

શું બહેરા છે શાસકો આ તંત્ર તણા આંખો બંધ મોઢું તીન બંદર તણું દેખાય છે,

થઈ ગયા છે પ્રજ્ઞાચક્ષુ સમા આ નગર તણા નેતાઓ !!

વૃધ્ધોના આ આંસુઓ હવે ક્યાં કોઈને વંચાય છે? 

–“પાંધી સર”

લોકશાહીમાં પ્રજાના ટેક્સના પૈસે બનતી સુવિધાઓ આજે સરકારી બાબુઓની આળસ અને ઉદાસીનતાના કારણે ધૂળ ખાઈ રહી છે. સાવરકુંડલામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને કોર્ટની કચેરીઓની બિલકુલ નજીક આવેલ ‘સીનિયર સિટીઝન પાર્ક’ આજે વર્ષોથી તાળાબંધીની હાલતમાં છે. શું આ તાળા ખોલાવવા માટે પણ રામ મંદિર જેવું જ મોટું આંદોલન કરવું પડશે? તેવો વેધક સવાલ સ્થાનિક વડીલો ઉઠાવી રહ્યા છે.

શહેરના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, સરકારના અંગો જાણે કામ કરતા બંધ થઈ ગયા હોય અથવા શિથિલ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનમાં પણ મનોરંજનના નામે વૃદ્ધો પાસેથી પણ પાંચ રૂપિયાની ટિકિટ વસૂલવામાં આવે છે, જે વહીવટી તંત્રની ‘ખાઉધરી’ નીતિ પ્રગટ કરે છે. વર્ષોથી ભરાતા કરવેરા ક્યાં વપરાય છે? શું જનતા માત્ર સહન કરવા માટે જ જન્મી છે?

બીજી તરફ, દરબાર ગઢ સ્થિત એસ.બી.આઈ. (SBI) બેંકની હાલત પણ દયનીય છે. એક તો દરબાર ગઢનો આકરો ઢાળ અને ઉપરથી બેંકમાં જવા માટેના બારથી વધુ ઊંચા પગથિયાં! વડીલોએ પોતાની જ જમાપુંજી ઉપાડવા કે લોકર ઓપરેટ કરવા માટે જાણે ઇડરિયો ગઢ જીતવો પડતો હોય તેવી સ્થિતિ છે. આ બાબતે શું બેંક તંત્ર કે પાલિકા તંત્ર પાસે કોઈ માનવીય ઉકેલ નથી?

શહેરની આ સમસ્યાઓ સામે વિરોધ પક્ષ પણ  નિષ્ફળ રહ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે . જનતાના પ્રશ્નો વાચા આપવાને બદલે મોટેભાગે રાજકીય પક્ષો મૌન સેવી રહ્યા છે, જેના કારણે સામાન્ય પ્રજા હવે લાચારી અનુભવી રહી છે.

Related Posts