અમરેલી

સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા છેવાડાના વિસ્તારોમાં ધારાબેન ગોહિલે  આ વિસ્તારના બાળકોને પ્રતિદિન બે કલાક જેવા સમય ફાળવીને નિશુલ્ક શિક્ષણ આપવાનું અભિયાન શરૂ કર્યું. 

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા છેવાડાના શ્રમિક વિસ્તારમાં સાવરકુંડલા શહેરના સેવાભાવી શૈક્ષણિક અભિરુચિ ધરાવતાં અને સફળ એંકર ધારાબેન ગોહિલ દ્વારા ગરીબ વર્ગના બાળકોને નિશુલ્ક શિક્ષણ પ્રદાન કરવાનો દ્રઢ નિર્ધાર સાથે પ્રારંભ.આમ તો શિક્ષણ એ જ તંદુરસ્ત લોકશાહી માટે ખૂબ આવશ્યક અંગ ગણાય છે. વળી ઘણી એવી  રોજગારીના સોર્સ હોય છે જેમાં શૈક્ષણિક લાયકાત જરૂરી હોય છે. આમ શિક્ષણ એ પ્રકાશની ભૂમિકા ભજવે છે અને એટલે જ કહ્યું છે કે અભણ અને અંધ બંનેની હાલત લગભગ સરખી હોય છે. આ સંદર્ભને સમજીએ તો શિક્ષણ એ ચેતના છે આપણને નીર ક્ષીરનો વિવેક સમજાવે છે. સારા નરસાની ઓળખ પણ શિક્ષણ દ્વારા થતી હોય છે. ઘણી વખત અભણ હોવાનો અમુક લોકો ગેરલાભ પણ ઉઠાવતાં હોય છે. એટલે જ જૂની પેઢીના ઘણાં લોકો પાસે જ્યારે કોઈ યોજના કે કોઈ દસ્તાવેજી કાગળો તૈયાર કરવાના હોય ત્યારે એવું કહેતાં સાંભળ્યાં છે

કે લાવો અંગૂઠો મારી દઉં તમે કહો તે સાચું ભાઈ અમે તો અભણ અમારે તો કાળા અક્ષર કુહાડા સમાન. આમ પોતાના અશિક્ષિત અને અભણ હોવાનો વસવસો પણ વ્યકત કરતાં જોવા મળે છે. અને એવું પણ કહેતા સાંભળ્યા છે કે અમારાં નસીબમાં તો શિક્ષણ નહીં હોય પરંતુ અમારા સંતાનોને તો અવશ્ય શિક્ષણ મળે તેવું ઇચ્છીએ. અમે કાળી મજૂરી કરશું. પણ અમારાં સંતાનોને શિક્ષિત કરીશું. આમ પણ જે શિક્ષિત છે એ જ દીક્ષિત છે. ખાસકરીને સાંપ્રત સમયમાં સરકારી શાળાઓ દિનપ્રતિદિન બંધ થતી જાય છે અને ખાનગી શાળાઓનું પ્રમાણ વધતું જાય છે તેવી વેળાએ ગરીબ વર્ગ માટે શિક્ષણ એ મોંઘુ થતું જતું હોય આ વાતને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા શહેરમાં રહેતાં ધારાબેન ગોહિલ દ્વારા આવા ગરીબ અને છેવાડાના વિસ્તારોમાં રહેતા બાળકોને નિશુલ્ક શિક્ષણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. તેણી રોજ સાંજે ચાર વાગ્યે સાવરકુંડલાના હાથસણી રોડના છેવાડાના વિસ્તારોમાં આવી ખુલ્લાં આકાશ નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાં જોવા મળે છે. જો કે ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવો થોડો કઠીન તો કહેવાય.

આપણે ઇચ્છીએ કે કોઈ સેવાભાવી સંસ્થા કે સરકારી તંત્રના હ્રદયમાં કરુણા જાગે અને અહીં પાકા ઓરડાની સુવિધા ઉપલબ્ધ થાય. ધારાબેનની વ્યક્તિગત મુલાકાત લેતાં જણાવ્યું હતું કે  ચાર વિદ્યાર્થીઓથી શરૂઆત થઈ અત્યારે ચાલીસ કરતાં વધુ વિદ્યાર્થીઓ હોંશે હોંશે અભ્યાસ માટે અહીં આવે છે. જો કે થોડી નાની મોટી મુશ્કેલીઓ વચ્ચે પણ ધારાબેન આ અભિયાનને શરૂ રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો હોય હાલ તો શૈક્ષણિક કાર્ય ચાલુ છે. આ સામાજિક શૈક્ષણિક કાર્યમાં વાલીઓ પણ હોંશે હોંશે પોતાના બાળકોને અભ્યાસાર્થે મોકલી રહ્યા છે.જો કે આ પ્રવૃત્તિમાં વધુ સેવાભાવી જોડાય તો ધારાબેનના આ શૈક્ષણિક અભિયાનને ખાસ્સો વેગ મળે.છતાં એક સરસ પ્રારંભ છે.. આવી સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ધારાબેનને પણ શહેરમાંથી અભિનંદન પાઠવાય રહ્યા છે. આપ પણ આપના ફાજલ સમયનો સદુપયોગ સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં કરીને સામાજિક દાયિત્વની ભાવનાને વેગ આપી શકો છો.  આ શિક્ષણની જ્યોત સદાય પ્રજ્વલિત રહે એવી મંગલ કામના સહ.

Follow Me:

Related Posts