ગુજરાત

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ૩ લાખ કરતાં વધુ લેબરોની અછત

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના સંક્રમણની સીધી અસર દેખાઈ રહી છે. સુરતનો કપડા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. માર્કેટ, પ્રોસેસિંગ હાઉસ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ માર્કેટ ખુલી ગઈ છે પરંતુ લેબરોની અછતના કારણે માર્કેટના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં ૩ લાખ કરતાં વધુ લેબરોની અછત છે. ટેક્સ્ટાઇલ માર્કેટ અને વિવિગ ઈન્ડસ્ટ્રીમાં ૫૦થી ૬૦ ટકા લેબરો નથી.


સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં રોજના લાખો કારીગરો કામ કરતા હોય છે. જેમાં માર્કેટની દુકાનોનો કાયમી સ્ટાફ ફોલ્ડિંગ, કટીંગ, બોક્સ પેકિંગ, કાર્ટુન સપ્લાય અને ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. લાખોની સંખ્યામાં મજૂર વર્ગ કામ કરીને રોજીરોટી મેળવે છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગનું કાપડ સમગ્ર દેશ અને વિદેશમાં પહોંચ્યા છે. જેનો વ્યાપ ખૂબ જ મોટો છે. કોરોના સંક્રમણને કારણે કોરોના પહેલા અને બીજા તબક્કામાં ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન થયું છે.


સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવિંગ અને પ્રોસેસિંગ મિલોમાં પણ એ જ રીતે લાખોની સંખ્યામાં કામદારો કાર્યરત છે. હાલ પ્રોસેસિંગ લગભગ બંધ છે તેથી હજુ તેમાં કેટલા કારીગરોની અછત છે તે અંગે મિલ માલિકો સ્પષ્ટપણે જણાવી શકે તેવી સ્થિતિમાં નથી. તેમના કહેવા પ્રમાણે જૂન મહિનાના પહેલાં સપ્તાહથી પ્રોસેસિંગ મિલો શરૂ થશે ત્યારે કેટલા કામદારો મિલો પર આવે છે, ત્યારબાદ સ્થિતિ સમજી શકાશે. કોરોના સંક્રમણને કારણે લોકડાઉન લાગતા સમગ્ર દેશમાંથી તો કાપડની ડિમાન્ડ બંધ થઈ ગઈ હતી જેને કારણે પ્રોસેસિંગ હાઉસો પણ બંધ હતા.


અંજની ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું કે, વીવિંગ ઇન્ડસ્ટ્રીમાં દોઢ લાખ જેટલા કારીગરોની અછત વર્તાઈ રહી છે. પાવરલુમ વોટર જેટ બોબીન મશીન, વોર્પિંગ મશીન, ટ્‌વીસ્ટ ટીએફઓ મશીન પર લાખોની સંખ્યામાં કામદારો કામ કરે છે. લોકડાઉન જેવી સ્થિતિના કારણે ૩૦થી ૪૦ ટકા જેટલા લેબરો હાલ મળી રહ્યા નથી. જેને કારણે યુનિટો શરૂ રાખવા કે કેમ તે પણ મુશ્કેલ બની રહ્યું છે. ઇન્ડસ્ટ્રીના યુનિટો અડધા કરતા ઓછા લેબરોથી કામ ચલાવી રહી છે. આવનાર દિવસોમાં કાપડની માંગ ઊભી થવાની શક્યતાને ધ્યાને રાખતા તમામ યુનિટોએ ઝડપથી કાર્યરત થવા માટે તૈયારી શરૂ કરી છે.


ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ એસોસિએશનના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું કે, સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ૫૦થી ૬૦ ટકા જેટલા લેબરોની અછત જાેવા મળી રહી છે. સુરત શહેરમાં ઉદ્યોગ સાથે જાેડાયેલા લગભગ તમામ રાજ્યના કામદારો છે. કોરોના સંક્રમણ તેના બીજા તબક્કામાં પણ સરકારે જે રીતે ઉદ્યોગો ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યા હતું. મિની લોકડાઉનની સ્થિતિ ઉભી થતા કામદારોના મનમાં ગયા વર્ષ જેવી સ્થિતિ ફરી થઇ શકે તેવી શક્યતા હતી. જેથી પોતાના વતન તરફ જતા રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ વિકટ સ્થિતિ હોવાને કારણે ત્યાંથી કામદારો અહીં આવી રહ્યા નથી. તેના કારણે ઉદ્યોગની અંદર સ્થિતિ વધુ બગડી છે. જૂન મહિનાના પહેલા સપ્તાહથી માર્કેટ નિયમિત રીતે શરૂ થઈ જાય તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે. પરંતુ આ જ રીતે જાે લેબરોની અછત હશે તો માર્કેટ પહેલા જેવી સ્થિતિમાં શરૂ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

Related Posts