૨૦૨૦ઃ કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સિવિલમાં અન્ય રોગથી ૭,૦૩૫ મોત
કોરોના મહામારીએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યા બાદ હવે અન્ય રોગોએ પણ માથું ઉચક્યું છે. અમદાવાદ સિવિલમાં મળી રહેલી માહિતી અત્યંત ચિંતા જનક છે. અમદાવાદ સિવિલમાં અન્ય રોગથી ૭,૦૩૫ના મોત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.અમદાવાદમાં કોરોનાકાળ દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષમાં કોવિડ સિવાયની અન્ય બીમારીમાં ૭૦૩૫ લોકોનાં મોત થયાં છે. સિવિલ હોસ્પિટલમાં આ વર્ષે રોજના ૨૦ જેટલા કોરોના સિવાયના દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. લૉકડાઉનના સમયગાળા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કોરોનાને કારણે થયેલાં મોતને પગલે લોકોમાં એટલો બધો ગભરાટ હતો કે વર્ષ દરમિયાન અન્ય બીમારીના દર્દીઓ સારવાર માટે આવ્યા જ નહોતા. એ છતાંય મોતનું પ્રમાણ ઊંચું રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ઓપીડીમાં ૪૪.૫૧ ટકા, ઈન્ડોર પેશન્ટમાં ૩૮.૪૩ ટકા, સર્જરીમાં ૪૫.૧૭ ટકા અને ડિલિવરીમાં ૧૯.૭૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.
પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી ૨૮મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કોરોના સિવાયની સારવાર માટે આવનારા દર્દીઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, તેમ છતાં ૭૦૩૫ લોકોનાં મોત થયાં છે. ગત વર્ષે દર્દીઓની સંખ્યા વધુ હતી એ અરસામાં અસારવા સિવિલમાં ૯૯૨૦ મોત થયાં હતાં. આમાં નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે. કોરોનાના ગભરાટમાં બીજી બધી સારવાર બંધ જેવી હતી, અન્ય સારવારમાં ધરખમ ઘટાડો છતાં ઊંચા મોતનું પ્રમાણ બતાવે છે કે આરોગ્ય સેવા કથળી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી. મોદીએ એવો દાવો કર્યો કે સિવિલ હોસ્પિટલમાં એકંદરે મોતનું પ્રમાણ નીચું રહ્યું છે.
સર્જરીમાં ૨૦૧૯ની સરખામણીએ ૪૫ ટકા જેટલો ઘટાડો થયો છે. એ જ રીતે ગત વર્ષની સરખામણીએ ઓપીડીમાં ૪૪.૫૧ ટકા, ઈન્ડોર પેશન્ટમાં ૩૮.૪૩ ટકા, ડિલિવરીમાં ૧૯.૭૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં આશરે ૧૨૦૦ જેટલા દર્દીઓનાં મોત થયાં છે. નોન-કોવિડમાં ૭૦૩૫ મોત થયાં છે. આમ, સિવિલ હોસ્પિટલમાં ૮૨૩૫ જેટલા દર્દીઓનાં મોત થયાં છે. મહત્ત્વનું છે કે સરકાર સામે આક્ષેપો થતા રહ્યા છે કે કોરોનામાં મોત અને કેસના આંકડા છુપાવવામાં આવે છે.
Recent Comments