અંકલેશ્વર પ્રતિન ચોકડી પર પુનઃ શ્રમજીવી પરિવારો વચ્ચે થયેલા હિંસક હુમલામાં ૨ ઈસમની પોલીસે ધરપકડ કરી
અંકલેશ્વર પ્રતિન ચોકડી પર પુનઃ શ્રમજીવી પરિવારો વચ્ચે થયેલા હિંસક હુમલામાં ૨ ઈસમની પોલીસે ધરપકડ કરી હતી. ૧૫૦૦ રૂપિયાની લેવડ-દેવડમાં એક વ્યક્તિ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્તને સારવાર હેઠળ સુરત ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ મામલે અંકલેશ્વર સીટી બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ આરંભી હતી. ૭ મી ઓગષ્ટના રોજ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર ૮ પર પ્રતિન ચોકડી નજીક આવેલી ઝુપડપટ્ટી વિસ્તારમાં રોડ નજીક રહેતા શ્રમજીવી પરિવારો વચ્ચે છાશવારે ઝઘડા સર્જાયા કરે છે. બે દિવસ પૂર્વે થયેલા ઝઘડા બાદ બુધવારના રોજ પુનઃ બે શ્રમજીવી ગ્રુપ વચ્ચે હિંસક મારામારી સર્જાઈ હતી.
જ્યાં લાકડાના ડંડા વડે કરવામાં આવેલા હુમલામાં નરેશ પલાસ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે બીજા બે વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ઈસમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે ઈજાગ્રસ્તની પત્ની રેણુ પલાસની ફરિયાદ આધારે અંકલેશ્વર સીટી બી-ડિવિઝન પોલીસે રૂ.૧૫૦૦ની લેવડ -દેવડ બાબતે થયેલા હુમલામાં સાવન ગણેશ ખંધારે અને બાદલ ગણેશ ખંધારે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. ઘટનાના ગણતરીના કલાકો બાદ શહેર બી-ડિવિઝન પોલીસે બંને હુમલાખોરોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
Recent Comments