અંગ્રેજાે દ્વારા આદિવાસીઓને મારવામાં આવેલા લોકોને યાદ કરાયા
૧૯મી સદીના પ્રારંભમાં ગોવિંદ ગુરુએ શરૂ કરેલું ભગત આંદોલન ૧૯૨૦માં ગાંધીયુગના મંડાણ થયા એ પહેલાની આઝાદીની મોટી લડાઈમાં પરિણમ્યું હતું. ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળના પગલે આદિવાસીઓએ તેમનું દમન કરનાર બ્રિટિશરો સામે ઝઝૂમ્યાં હતા.સંતરામપુરની નજીક રાજસ્થાનની હદ પાસે આવેલો માનગઢ પર્વત માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત વિવિધ રાજ્યોના આદિવાસીઓ માટે મહત્ત્વનું સ્થાન છે. તેનું કારણ છે ૧૯૧૩ની ૧૭મી નવેમ્બરે આ પર્વત પર સર્જાયેલી ઐતિહાસિક ઘટના. જલિયાવાલા બાગ હત્યાકાંડે દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. પણ આ ઘટનાના ૬ વર્ષ પહેલા ગુજરાતના માનગઢ પર્વત પર બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનાર આદિવાસીઓના સંહારની ઘટના દાયકાઓ સુધી અજાણી રહી હતી. જાે કે સ્થાનિક આદિવાસીઓના લોકગીતોમાં આજે પણ માનગઢ હત્યાંકાડની બર્બરતા અને બ્રિટિશરો વિરુદ્ધ ઝઝૂમેલા આદિવાસીઓને યાદ કરાય છે. ઇતિહાસના અધ્યાપક ગણેશ નિસરતા જણાવે છે કે આદિવાસીઓમાં આજે પણ ‘નહીં માનુ રે નહીં માનુ અંગ્રેજિયા…’, ‘સામી છાતીએ લડવું રે આઝાદીની લડાઈ..’, ‘માંજરી રે આંખનો ભૂરિયા (અંગ્રેજાે) જાજે તારા દેશ’ જેવા ગીતો ગાવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા પ્રો.અરૂણ વાઘેલાએ જણાવ્યું કે ૧૯૧૩માં માનગઢ હત્યાકાંડ પહેલા ગોવિંદ ગુરુએ આદિવાસીઓમાં ધાર્મિક અને સામાજિક સુધારણાની મોટી ચળવળ શરૂ કરી જેના કારણે આદિવાસીઓએ નશાનો ત્યાગ કરતા થયા. પરિણામે દારુના વેચાણમાંથી થતી બ્રિટિશરો અને રજવાડાની આવકમાં ઘટાડો થયો. જેના કારણે ચળવળનું દમન શરૂ કર્યું. ૧૯૧૩ની ૧૭ નવેમ્બરે ગોવિંદ ગુરુની હાકલ બાદ માનગઢ પર આદિવાસીઓ એકત્ર થયા જેના પર બ્રિટિશરોએ ગોળીબાર કર્યો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી માર્યા ગયા તથા ગોવિંદ ગુરુની ધરપકડ કરાઈ હતી.
Recent Comments