સૌરાષ્ટ - કચ્છ

અંજારમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી બે સગી બહેનોની ધરપકડ

અંજારમાં રહેતી બે સગી બહેનો પર વ્યાજની વસૂલાત કરી યુવકને મરી જવા મજબૂર કરવા મામલે ગુનો નોંધાયા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી છે. બંને બહેનો સામે ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયા બાદ પોલીસે મેઘપર બોરીચી પાસેથી ઝડપી પાડી હતી. નોંધનીય છે કે, અનિશ નામના યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવી આરોપીઓને કડક સજા કરવાની માગ કરી હતી. મહિલા આરોપી આરતી ઈશ્વર ગોસ્વામી અને તેની મોટી બહેન રિયાએ વ્યાજે આપેલા નાણાંની વસૂલી કરવા ફરિયાદી અને તેના ભાઈને માનસિક ત્રાસ, જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપતાં ફરિયાદીના ભાઈ અનિશે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેથી અંજાર પોલીસમાં આરોપીઓ સામે દુષ્પ્રેરણા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે બંન્ને બહેનો ફરાર થઈ ગઈ હતી.

ત્યારબાદ બંને બહેનો દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જે નામંજૂર થતા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યાં પણ ના મંજૂર થયા બાદ પોલીસ દ્વારા બંને બહેનોની ધરપકડ કરવામાં આવી હતી. અંજાર પોલીસના સૂત્રો અનુસાર ફરિયાદીને આરોપી બહેનોએ ગેરકાયદેસર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરી તેની વસૂલી કરી, બે ચેક બાઉન્સ કરાવી ફરિયાદી અને તેના ભાઈ અનિષને ભૂંડી ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી, પૈસાની ઉઘરાણી કરી, બળજબરી પૂર્વક નાણાં કઢાવી અનિષને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરવા બદલ દુષ્પ્રેરણના ગુના સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે હાલ બંને બહેનોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts