અંધશ્રદ્ધાએ માજા મૂકી, કોરોનાકાળમાં જન્મેલા બાળક અપશુકનિયાળ માને છે લોકો
કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન પણ ખૂબ જ ઝડપી બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ કેટલાક લોકો અંધશ્રદ્ધાના કારણે પણ કોરોના વેક્સીન ન લેતા હોવાનું સામે આવે છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ઘણા બધા લોકો અંધશ્રદ્ધા તરફ વળ્યા છે અને તેઓ અંધશ્રદ્ધાના કારણે કોરોના વેક્સીન લેતા ડરી રહ્યા છે. આ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સરવેમાં બહાર આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ૪૫ ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે, અમે દોરાધાગા, માનતા કે ભૂવા કોરોના મટી શકે છે. ૬૦.૩૦ ટકા લોકોએ પણ એવું કહ્યું હતું કે ઘરના સભ્યો માંદા પડ્યા હોય તો તમે ભૂવા પાસે ગયા હતા. સાથે જ ૮૧.૧૦ ટકા લોકો એવું માને છે તે વ્યક્તિ માનસિક બીમારીથી પીડિત હોય તો તેના પર કોઈએ મેલી વિદ્યા કરી હશે. સાથે જ સર્વે દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે ૨૭.૭૦ લોકો એવું માને છે કે કોરોના કાળમાં જન્મેલા બાળકો અપશુકનિયાળ છે.
વેક્સીન બાબતે લોકોમાં રહેલી અંધશ્રદ્ધા બાબતે મનોવિજ્ઞાન ભવનની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે મનોવિજ્ઞાન ભવનની તેમને જાણવા મળ્યું હતું કે ૩૬ ટકા અંધશ્રદ્ધા વેક્સીનેશન ન કરાવવા પાછળ જવાબદાર છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોમાં પડેલી અંધશ્રદ્ધાઓ પણ રોગની સાથે બહાર આવી છે. આ બાબતે મનોવિજ્ઞાન ભવનના વડા ડોક્ટર યોગેશે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ પર ડાકણ કે ચુડેલનો કોપ છે, તેનું નિવારણ કરવા માટે ભુવા ફકીર પાસે જાય છે અને તે સમયે તે ભુવો તાવીજ કે પછી ભભૂતિ આપશે અને માતાજીની આડી બાંધી દીધી છે. તેવું કહેશે કે તમને ૧૫ દિવસમાં ૧૦૦ ટકા સારું થઈ જશે. ઘણી બીમારી ટૂંકાગાળાની અને માનસિક હોય છે. જેમાં મેડિકલ સારવારની જરૂર હોતી નથી અને આ જ કારણે લોકોને સારું થઈ જાય છે અને આના કારણે ૫ વ્યક્તિઓને સારું થઈ ગયુ હોય તો બીજા ૫૦૦ લોકો આ વ્યક્તિ પાસે સલાહ લેવા માટે જાય છે અને અંધશ્રદ્ધા આગળ ફેલાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંધશ્રદ્ધાના નામે અનેક પશુઓનો ભોગ લેવામાં આવે છે. આ વાત પશુ પુરતી મર્યાદિત નથી પરંતુ ઘણી વખત અંધશ્રદ્ધાના નામ પર ઘણા લોકો માણસની પણ બલી ચડાવતા હોય છે. કોરોનાની મહામારી વચ્ચે પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ નજીક આવેલા પલોડિયા ગામમાં મહિલાઓ કોરોનાની મહામારી વચ્ચે પાણીના બેડા લઈને નીકળી હતી. તો દાહોદમાં પણ મહિલાઓએ સાત દિવસનો ઉપવાસ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદના શીલજમાં મહિલાઓ વિધિ કરવા નીકળી હતી અને ધાર્મિક વિધિ દરમિયાન મહિલાઓને માસ્ક પહેર્યુ ન હતું. તો પાલનપુરમાં પણ અંધશ્રદ્ધાના કારણે કોરોનાના દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત બનાસકાંઠામાં એક બાળકને તાવ મટાડવા માટે ડામ આપવામાં આવ્યા હતા.
Recent Comments