અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખ લોકોએ મુલાકાત કરી
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત અત્યાર સુધી ૫૦ લાખ લોકો લઇ ચૂક્યા છે, એ પણ માત્ર અઢી વર્ષના સમયગાળામાં. ૨૦૧૮માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યૂ આવી ગયા છે. સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. રાજીવકુમાર ગુપ્તાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. કોરોનાકાળમાં થોડો સમય પ્રવાસીઓ માટે બંધ રહ્યા બાદ ફરી સ્ટેચ્યૂ આજે પ્રવાસીઓ માટે સૌથી પસંદગીનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે. બીજી તરફ વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ, સાસણ ગીરમાં છેલ્લા બે વર્ષમાં ૭ લાખ મુલાકાતીઓ આવ્યા હતા. એક અંદાજ મુજબ, સાબરમતી આશ્રમમાં વર્ષે સરેરાશ ૭ લાખ મુલાકાતીઓ આવતા હોય છે. સોમનાથ મંદિરના દર્શને અંદાજે દર મહિને ૨થી ૩ લાખ લોકો આવતા હોય છે.
ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૦ના આંકડા મુજબ, ગુજરાતમાં ૨૦૧૯માં કુલ ૫.૮૮ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જે દેશના કુલ પ્રવાસીઓના ૨.૫ ટકા છે. આ આકડો ૨૦૧૭માં ૪.૮૩ કરોડ જ્યારે ૨૦૧૮માં ૫.૪૩ કરોડ હતો. વર્ષે સરેરાશ ૫ લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. દર વર્ષે ગુજરાતમાં આવતા પ્રવાસીઓમાં ૮થી ૧૦ ટકાનો ગ્રોથ રેટ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દેશ-વિદેશમાંથી રોજના ૧૫-૨૦ હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રોજ ૧ લાખ પ્રવાસીઓ આવી શકે એવું વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારે વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. પ્રવાસીઓમાં આકર્ષણ વધારવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, આરોગ્ય વન, વિશ્વ વન, એકતા મોલ, વેલી ઓફ ફ્લાવર, યુનિટી ગ્લો ગાર્ડન, એકતા નર્સરી. એકતા ક્રુઝ, ખલવાણી-ઝરવાણી ઇકો ટુરિઝમ સહિત અનેક માણવાલાયક સ્થળો છે. અમદાવાદથી કેવડીયા સુધી સી-પ્લેન અને ટ્રેનની સુવિધાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
Recent Comments