fbpx
અમરેલી

અદ્દભૂત,અકલ્પનીય,અજોડ પ્રતિભા, એક નોન રેસીડેન્સીયલ ગુજરાતી,  અમેરિકન લેડી, રાજપૂત ક્ષત્રિયાણી 

આપણે ચોતરફથી નેગેટિવિટીનાં બોમ્બમારાથી હતાશ થઈ ગયા હોઈએ ત્યારે, એક ઉર્દૂ શાયરે કહ્યું છે કે, ઇસ ઘનેરે જંગલમેં, મૈ બેજાન સા હો જાતા હું… તબ ઔર ભી સાંસે લેને સે એક અચ્છે ઇન્સાન કી ખુશ્બુ આતી હૈ . ચારેબાજુ મારો મારો કાપો કાપો વચ્ચે જ્યારે ક્યાંયથી લોબાનની ખુશ્બુ કે ગુગળની આહલાદક સુગંધની જેમ આપણા તન બદનને તરબતર કરી દે એવી વાતો કાને પડે ત્યારે જાણે આપણું મન રોમાંચિત ને પ્રફુલ્લિત થઈ જાય. આપણને નવાઈ લાગે કે હજી આવા માનવી પણ આ ગ્રહ પર ખરેખર છે !! મૂળ ગામ ટોડા,કોટડા સાંગાણી (ગોંડલ)નાં રાજપૂત ગરાસિયા દરબાર રશ્મિબા જાડેજા ઘણાં વર્ષો જામનગર સ્થાઈ થયા. ત્યાર બાદ પોતાના માતા પિતા સાથે અમેરિકા ગયા ત્યારે માત્ર ૧૮ વર્ષની ઉંમર હતી. પછી તો ત્યાં જ સ્થાઈ થઈ ગયા.મધ્ય પ્રદેશના ગુના સ્ટેટના રાજવી યોગેન્દ્રસિંઘ ચૌહાણ ( પૃથ્વીરાજ ચૌહાણ પરંપરા ) સાથે તેમનાં વિવાહ થયા અને સંતાનમાં એક પુત્ર પરમસિંઘ છે.અમેરિકાના Hantsville Alabama (હન્ત્સવિલે અલ્બામાં) આખો પરિવાર અત્યારે સ્થાઈ છે. અમેરિકા ગયા પછી ક્યારેય ભારત આવ્યા ન હતા. ઘણાં વર્ષોથી એમની ઈચ્છા હતી કે ભારતમાં એકદમ છેવાડાનાં પછાત વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી.

બરાબર તે જ સમયમાં જામનગરનાં પડોશી દ્વારા જાણવા મળ્યું કે, મૂળ સાવરકુંડલાનાં અને મુંબઈ વસતા હરેશભાઈ મહેતા અને તેમનાં મિત્રો વિદ્યાગુરું ફાઉન્ડેશનનાં નેજા નીચે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નામની તમામ પ્રકારે, કોઈ પણ દર્દી પાસેથી એકપણ રૂપિયો ફી લીધા વગરની નિશુલ્ક હોસ્પિટલ અને એ પણ અદ્યતન સાધનો સુવિધાથી સભર શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે તેઓ ખાસ અમેરિકાથી આ હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં આવ્યા અને આ મિત્રોની નિસ્વાર્થ સેવા જોઈને અચંબામાં પડી ગયા. ત્યારે ને ત્યારે સંકલ્પ કર્યો કે, દર વર્ષે એક મહિનો આ હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઓફ ચાર્જ દર્દીઓની સારવાર કરવી.પોતે સાયકોલોજીસ્ટ છે. તેમણે USAમાં અલબામાં પ્રોફેશનલ સાયકોલોજીકલ કાઉન્સિલર, સર્ટિફાઇડ એડવાન્સ આલ્કોહોલ અને ડ્રગસ્ કાઉન્સેલર, કલીનિકલ સાયકોલોજી માં માસ્ટર ઓફ સાયન્સ, અલ્બામા યુનિ.USA જેવી અનેક ડીગ્રીઓ પ્રાપ્ત કરી છે. આ ક્ષેત્રે છેલ્લા ૧૮ વર્ષનો અનુભવ છે. કોઈપણ પ્રકારની દવા વગર માત્ર થેરાપીથી સારવાર કરે છે.જામનગરમાં હસુબા અને બલભદ્રસીહનાં દીકરી રશ્મિબાનું પ્રાથમિક શિક્ષણ તો સૌરાષ્ટ્ર જામનગર આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાપ્ત થયું. તેમના દાદાસાહેબ દોલતસિંહજીએ જમાનામાં કલેકટર હતા. પિતા રેલવેમાં હતા. સૌરાષ્ટ્ર યુનીવર્સિટીમાંથી બી.એ.વિથ સાયકોલોજી કરેલ. ત્યાં અમેરિકામાં પણ આશા કિરણ હોસ્પિટલમાં તદ્દન ફ્રી સારવાર કરે છે.

૨૦૧૫થી કોરોના કાળ સિવાય દર વર્ષે એક મહિનો નિયમિત રીતે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં ખાસ સેવા કરવા એક પણ રૂપિયો ફી લીધા વગર આવે છે. અત્યંત ભાવાવેશમાં,ગદગદિત થઈને રશ્મિબા જાડેજા ચૌહાણ, ભીની આંખે કહે છે કે, જ્યારે હું USA થી ભારત આવવા નીકળું છું ત્યારે મને મારા પિયર જતી હોય તેવું અને પરત જાવ ત્યારે સાસરે જતી હોય તેવું લાગે છે. આખું વરસ ઇન્ડિયા ફરીવાર આવવાના દિવસોની આતુરતા પૂર્વક રાહ જોવ છું. પ્રથમ વખત આવ્યા ત્યારે પોતાનાં સાવ નાની વયના દીકરા પરમસિંઘને એકલો છોડીને આવતા માં નો જીવ મહા મુસીબતે માન્યો હતો.રશ્મિબા કહે છે કે, કોઈપણ સંબંધને જાળવવાની ગુરુ ચાવી છે… કમ્યુનિકેશન.સંવાદ વગર સંબંધો ગૂંચવાઈ જાય છે. જીવનમાં આપણે કોણે કેટલાં જખમ આપ્યા તે જ યાદ કરી ને દુઃખી થઈએ છીએ. તેને બદલે જો કોણે આપણને સાથ, સહારો, મદદ કરી તે યાદ રાખીએ તો મન તંદુરસ્ત રહે. ક્યારેય હતાશા આવે નહિ. આટલા બધા વર્ષોથી સાવરકુંડલા નિયમિત દર વર્ષે આવતા હોવાથી અહી પણ એક ફેમિલીનું સર્જન થઈ ગયું છે.

જુદા જુદા દર્દીઓનાં સંપર્કથી જાણવા મળે કે આ પરિવારને શેની અંગત જરૂરિયાત છે, તો અહીથી અમેરિકા જાય ત્યારે યાદી બનાવતા જાય અને આવે ત્યારે આ તમામ માટે અઢળક વસ્તુઓ લેતા આવે, રોકડ સહાય પણ કરે. અત્યાર સુધીમાં નાનામાં નાના ૪ વર્ષ અને મોટામાં મોટા ૮૦ વરસ સુધીનાં પેશન્ટની સારવાર કરી છે. હવે રશ્મિબા જાડેજા ચૌહાણને મનમાં એવો સંકલ્પ થયો કે,” આટલી સરસ રીતે એકપણ રૂપિયો ફી લીધા વગર તમામ પ્રકારની દવા,સારવાર,ઓપરેશન કરવામાં આવે છે. અને પેશન્ટને દર્દી નારાયણ સિવાય કોઈ બીજો શબ્દ બોલતા નથી. સ્વ.શ્રી લલ્લુભાઈ શેઠની કર્મભૂમિનું કેન્દ્ર એટલે તેમનું નિવાસસ્થાન ખાદી કાર્યાલય. અત્યારે પણ આ સ્થળ પોઝીટીવ વાયબ્રેશન થી ધબકી રહ્યું છે. ત્યારે અમારા ફેમિલીએ સમયનું દાન તો આપીએ જ છીએ, પણ સાથોસાથ ડોનેશન રૂપે કાંઈક રકમ પણ આપીએ ઍટલે અમને ૧૨ બેડની 

આઇ.સી.યું.બિલ્ડિંગ તૈયાર કરવામાં યોગદાન આપવાનો લાભ મળ્યો, જેમાં અમે ૩૧ લાખ (એકત્રીસ લાખ) જેટલી રકમ દાનમાં આપી, અમે કોઈ ઉપકાર નહીં પણ આ માતૃભૂમિનું ઋણ અદા કર્યું છે અને હજી પણ ભવિષ્યમાં આ પ્રકારે સેવા કરવાનો મોકો મળશે તો અમારા જાડેજા – ચૌહાણ ફેમિલી હંમેશા તૈયાર જ છે.'”

તેઓ વધુમાં ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીયોને કહેવા માંગે છે કે, તમે અવારનવાર ઇન્ડિયા આવતા હોય, પરંતુ ૯૯% NRI ફ્કત ફરવાને મોજ શોખ કરવા આવે છે. માત્ર એક ટકા લોકો આવી સંસ્થાઓમાં સેવા માટે આવે છે, અહીનાં લોકલ લોકો રજા કે રવિવાર હોય તો બસ એકજ બાબતની ચર્ચા કે ક્યાં ફરવા જવું કે ક્યાં જમવા જવું. આ પરિવારોએ મહિને એકાદ વખત રજાનો ઉપયોગ આવી સંસ્થામાં શ્રમસેવામાં પણ કરવો જોઈએ. અને એમાંથી જે આનંદ મળશે તે ક્યાંય પણ થી મળશે નહી. પોતે જીવન પર્યન્ત આ આરોગ્ય મંદિરમાં ચાલી રહેલા મહા આરોગ્ય યજ્ઞમાં આહુતિ આપવા દર વર્ષે એક મહિનો આવશે જ.

—પ્રસ્તુતિ પ્રતાપભાઈ ખુમાણ 

Follow Me:

Related Posts