તાજેતરમાં રાજ્ય સરકારે ફિક્સ પગારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના ફિક્સ પગારમાં ૩૦ % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે પરંતુ પરંતુ અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી આજ દિન સુધી વંચિત રાખવામા આવ્યા છે. આ અંગે અધ્યાપક મંડળ દ્વારા સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવામા આવેલ છે છતાં પણ આજ દિન સુધી અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવામાં આવ્યો નથી.
હાલમાં ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયક કે જેઓ પીએચડી, એનઈટી,એસઈટી, એસએલઈટી જેવી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાતો ધરાવતા હોવા છતાં પણ તેઓનો પગાર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો કરતા પણ ઓછો છે જેનાથી ગુજરાતના શિક્ષણ જગતમાં “વધુ લાયકાત, ઓછો પગાર” જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ઉપરોક્ત બાબતે સરકારમાં વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે અધ્યાપક સહાયકો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા મજબૂર થયા છે. આ અનુસંધાને અધ્યાપક સહાયક મંડળ દ્વારા નીચે મુજબના કાર્યકાર્મો આપવામાં આવશે..
(૧) તારીખ ૨૭ થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યના અધ્યાપક સહાયકો મોટી સંખ્યામાં પોત-પોતાની યુનિવર્સીટી મથકે ભેગા થઈને યુનીવર્સીટીના કુલપતીશ્રીઓને આવેદનપત્ર આપશે.
(૨) તારીખ ૨૭ થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન અધ્યાપક સહાયકોને થતા અન્યાય બાબતે રાજ્યના તમામ અધ્યાપક સહાયકો માન. વડાપ્રધાનશ્રી, માન. મુખ્યમંત્રીશ્રી, માન. નાણા મંત્રીશ્રી તેમજ માન.શિક્ષણમંત્રીશ્રીને ટપાલ લખીને પોસ્ટકાર્ડ અભિયાન કરશે.
(૩) તારીખ ૨૭ ફેબ્રુઆરી થી ૭ માર્ચ સુધીમાં ગુજરાત રાજયના તમામ ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓને અધ્યાપક સહાયકો દ્વારા પગાર વધારા બાબતે આવેદનપત્ર આપવામાં આવશે.
આમ છતાં પણ જો સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક ઉકેલ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના અધ્યાપક સહાયકો ગાંધીનગર ખાતે એકઠા થઈને ગાંધી ચીધ્યા માર્ગે સત્યાગ્રહ કરશે. એમ આભાર સહ, ડૉ. શશીકાંત તેરૈયા ડૉ. કેશર ચૌધરી, ડૉ. નરેન્દ્ર પટેલની એક યાદીમાં જણાવવામાં આવેલ હતું.
Recent Comments