મહારાષ્ટ્રના મુંબઈની સેશન કોર્ટે અભિનેત્રી લૈલા ખાન અને તેના પરિવારની હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. મુંબઈ સેશન કોર્ટે આ કેસમાં દોષિત સાવકા પિતા પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. આ સમગ્ર મામલો ૧૪ વર્ષ જૂનો છે, પણ આ મહિનાની શરૂઆતમાં, કોર્ટે પરવેઝ ટાકને હત્યા અને પુરાવા નષ્ટ કરવા માટે દોષી ઠેરવ્યો હતો. ગયા અઠવાડિયે, સરકારી વકીલ પંકજ ચવ્હાણે આ કેસને સૌથી દુર્લભ ગણાવ્યો હતો અને દોષી પરવેઝ માટે મૃત્યુદંડની માંગ કરી હતી. પંકજ ચવ્હાણનું કહેવું હતું કે, આ એક સુનિયોજિત હત્યા હતી. એક ક્રૂર હિંસક કૃત્ય કરવામાં આવ્યું અને એક જ પરિવારના છ લોકોની હત્યા કરી દેવામાં આવી. તેમની લાશોને ઠેકાણે પાડી દેવામાં આવી.
દોષિત પરવેઝ ટાક દ્વારા લૈલા, તેની માતા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી દીધી હતી, તેમની લાશોને ફાર્મ હાઉસમાં દાટી દીધી હતી. પછી પોલીસ પૂછપરછમાં આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. લૈલાના પિતા નાદિર પટેલે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ટાક અને તેના સાથી આસિફ શેખે કથિત રીતે લૈલા અને તેના પરિવારનાં સભ્યોનું અપહરણ કરી લીધું છે.
એક જ પરિવારની છ હત્યાની ઘટના કેટલાક મહિનાઓ પછી ત્યારે સામે આવી હતી જયારે જમ્મુ-કાશ્મીર પોલીસે છેતરપિંડીના કેસમાં પરવેઝ ટાકની ધરપકડ કરી હતી. શરૂઆતમાં ટાકે દાવો કર્યો હતો કે લૈલા અને તેનો પરિવાર દુબઈમાં છે. બાદમાં તેણે જમ્મુ-કાશ્મીર પોલીસને જણાવ્યું કે તેણે મહારાષ્ટ્રમાં આ લોકોની હત્યા કરી દીધી હતી. બાદમાં તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ટાક જમ્મુ અને કાશ્મીરમાં ફોરેસ્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પરવેઝનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. પૂછપરછમાં પરવેઝે હત્યાઓની વાત કબૂલ કરી હતી. બાદમાં તમામના હાડપિંજર ઇગતપુરીના એક ફાર્મ હાઉસમાંથી મળી આવ્યા હતા. પરવેઝે પોલીસને જણાવ્યું હતું કે લૈલા પરિવાર સાથે ઇગતપુરી ફાર્મ હાઉસમાં રજાઓ ગાળવા ગઈ હતી. ત્યાં તેણે બધાની હત્યા કરી નાખી અને લાશોને ખાડો કરીને દાટી દીધી હતી.
Recent Comments