ગુજરાત

અમદાવાદના મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કેસમાં ખુલાસો, આરોપી રાજસ્થાનનો રહેવાસી

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મણિનગર વિસ્તારમાં લૂંટારૂ બિન્દાસ્ત પિસ્તલ લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે અને લૂંટનો પ્રયાસ કરે છે. જો કે જ્વેલર્સે પ્રતિકાર કરતા લૂંટારૂ ફરાર થવાનો પ્રયાસ કરે છે. જો કે હાથમાં પિસ્તલ લઈને રોડ પર દોડે છે અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગ થતા મણિનગર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોએ તેને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. કોણ છે લૂંટારું જેણે રાત્રે શહેરભરની પોલીસને દોડતી કરી દીધી હતી. લૂંટના ઇરાદે આવેલો વ્યક્તિ રોડ પર દોડતા દોડતા રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરે છે. જે જોતા પહેલી નજરે તો UP કે બિહારના દ્રશ્યો હોય તેવું લાગે છે, જો કે આ ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારની છે. સદનસીબે અહીં મોટો બનાવ બનતા અટકી ગયો છે. લૂંટારૂ લૂંટના ઇરાદે મણિનગરના વૃદાવન જ્વેલર્સમાં ઘૂસ્યો હતો.

જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ લૂંટારું હાથમાં રિવોલ્વર લઈને દોડ્યો અને ત્યાં હાજર ટોળું તેની પાછળ પડ્યું હતુ. લોકોની નાસ ભાગ જોઈને ગભરાઈને લૂંટારૂએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ, પરંતુ લોકોએ તેનો પીછો કરીને તેને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તે મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે. હાલ તેનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર હોવાનું જણાવી રહ્યો છે. જેનું નામ લોકેન્દ્ર શેખાવત છે. આરોપીને દેવું થઈ જતાં તે લૂંટનાં ઇરાદે અમદાવાદ આવ્યો હતો. ગઈકાલે સાંજે તે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે પિસ્ટલ તેને કોઈનાં ઝઘડામાં નીચે પડી જવાથી મળી હોવાનુ કહી રહ્યો છે, આ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી પિસ્ટલ, ત્રણ કારતૂસ પણ જપ્ત કર્યા છે. આરોપી હકીકતમાં આર્મીમાં ફરજ બજાવે છે કે કેમ તે અંગે પણ પોલીસે ખરાઈ કરવાની કામગીરી શરૂ કરી છે. જ્યારે આરોપી વિરૂદ્ધમાં લૂંટની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts