ગુજરાત

અમદાવાદમાં અને શક્તિપીઠોમાં ગરબા મહોત્સવોમાં જાહેર જનતા માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે

કોવિડ મહામારીને કારણે ગુજરાતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન ગરબાંના જાહેર આયોજનો પર પ્રતિબંધ હતો જેને કારણે સતત બે વર્ષ સુધી જાહેર નવરાત્રિ મહોત્સવ યોજાયા ન હતાં. પરંતુ હવે આ મહામારીનો પ્રભાવ ઓછો થતાં ત્રણ વર્ષ બાદ ગુજરાત સરકાર રાજ્યભરમાં વિવિધ ઠેકાણે મોટા ગરબા મહોત્સવ યોજવા જઇ રહી છે. જેમાં અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલ ઉપરાંત ગુજરાતમાં આવેલાં શક્તિપીઠો ઉપરાંત માતાજીના ધાર્મિકસ્થળો પર આવું આયોજન થઈ રહ્યું છે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર વાઇબ્રન્ટ નવરાત્રિ ફેસ્ટિવલ સોસાયટી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના નેજા હેઠળ રાબેતા મુજબનું આયોજન કરવા જઇ રહી છે.

આ માટે સરકારે આ સોસાયટીમાં જાેડાયેલાં વિવિધ ઉદ્યોગગૃહો અને અન્ય સહયોગીઓને આ માટે પ્રવૃત્ત કરી દીધાં છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ આ માટે પ્રવાસન વિભાગ સાથે મંગળવારે એક બેઠક પણ કરી હોવાનું રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે. આ સિવાય ગુજરાતનાં વિવિધ યાત્રાધામો જેવાં કે અંબાજી, પાવાગઢ, ચોટીલા, આશાપુરા માતાનો મઢ સહિતના નવ સ્થળોએ પણ ગરબાના વિશાળ જાહેર આયોજનો થવા જઇ રહ્યાં છે. આ આયોજનની જવાબદારી સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગે લીધી છે. આ માટે મંત્રી હર્ષ સંઘવીએ પણ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો કરી છે અને આ વિભાગની કમિશનર કચેરી તેના માટેની તડામાર તૈયારીમાં પડી ગઈ છે. આ ગરબા મહોત્સવોમાં પ્રવેશ માટે કોઇપણ જાતનો પ્રવેશ નિઃશુલ્ક રહેશે. અમદાવાદમાં જે રીતે આયોજન થાય છે તે જ તર્જ પર પ્રવેશ પાસ સિવાય જ નાગરિકોને એન્ટ્રી રહેશે.

જાેકે આ આયોજન માટે થનારો નાણાંકીય ખર્ચ તેના પ્રાયોજક તરીકે વિવિધ ઉદ્યોગગૃહો અને જાહેર સંસ્થાઓ ઉપાડી લેશે જેથી સરકારને માથે પણ તેનો કોઇ મોટો ખર્ચ આવશે. નહીં. રાજ્યમાં ત્રણ વર્ષે ગરબાંનું જાહેર આયોજન થવાનું હોવાથી મોટી સંખ્યામાં લોકો આ સ્થળોએ આવશે તે અપેક્ષિત છે. આ માટે રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરશે. મહિલા પોલિસ, શી ટીમ, ટ્રાફિક પોલીસ, સીસીટીવી કેમેરા નેટવર્ક ઉપરાંત સર્વેલન્સની ટીમ પણ આ માટે તૈનાત કરાશે. શહેરોમાં પોલીસ કમિશનર અને જિલ્લા સ્થળોએ આઇજી કક્ષાના અધિકારી આ માટેની જવાબદારી સંભાળશે.

સરકારી સાથે ખાનગી અને વ્યાવસાયિક ધોરણે થતાં ગરબા આયોજનો માટે પણ સરકાર નિયમો બહાર પાડશે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિયમોમાં કોવિડ કે મહામારીને લગતાં નિયંત્રણોનો ઉલ્લેખ નહીં હોય, પરંતુ જાહેર સુરક્ષા અને આયોજનની મંજૂરી તથા ટ્રાફિક નિયંત્રણને લગતાં નિયમોનો સમાવેશ થશે. નવા નિયમો અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Related Posts