કામધંધો ના હોવાથી ચાર મિત્રોએ ભેગા મળીને શોર્ટકટથી પૈસા કમાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો અને નકલી પોલીસ બનીને લોકોની પાસેથી પૈસા પડાવવાનું નક્કી કર્યું હતું. આરોપીઓએ વસ્ત્રાલ ચાર રસ્તા નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિ બહાર નીકળતા તેનો પીછો કરીને તેને સુરેલીયા એસ્ટેટ નજીક રોક્યો હતો અને તેને પોલીસ હોવાથી ખોટી ઓળખ આપી તમારા વિરુદ્ધ ગુનો દાખલ કરીશું, તેમજ કેશ નહીં કરવા માટે રૂપિયા ૨૫ હજારની માંગણી કરી હતી. બાદમાં એટીએસ ખાતે લઇ જઇને બળજબરીથી ૧૫ હજાર પડાવી લીધા હતાં. જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસે બાતમીના આધારે ચાર આરોપીઓેને ઝડપી લીધા છે. રામોલ પોલીસે હીતેષ શાહ, ફીરોજ શેખ, શાહરૂખ અંસારી અને સીરાજખાન પઠાણ નામના ચાર આરોપીઓની વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મિત્ર છે. જાેકે, તેમની પાસે કોઇ કામ ધંધો ના હોવાથી તેમણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવાનું નક્કી કર્યું હતું. ૮મી એપ્રિલના દિવસે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ ચારેય જણા વસ્ત્રાલ ચાર રસ્તા પુષ્પ કોમ્પલેક્ષ સામે મોટર સાયકલ લઇને ઉભા હતાં.
નજીકના ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિ બહાર આવીને મોટર સાયકલ લઇ મહાદેવ નગર તરફ જતા આરોપીઓ તેમની પાછળ પાછળ ગયા હતાં. સુરેલીયા એસ્ટેટ સામેના રોડ પર આરોપીઓએ આ વ્યક્તિને ઉભા રાખીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી ક્યાંથી આવે છે, તમારા ઘરે જાણ કરીશું, તમને બદનામ કરી તમારા વિરુદ્ધ ગુનો દાખલ કરીશું, તેમ જણાવી ખોટો કેશ નહીં કરવા માટે રૂપિયા ૨૫ હજારની માંગણી કરી હતી. બાદમાં તેઓ આ વ્યક્તિને રબારી કોલોની ખાતે આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ ખાતે લઇ ગયા હતાં. જ્યાં બળજબરીથી રૂપિયા ૧૫ હજાર કઢાવી લીધા હતા. જે અંગે રામોલ પોલીસે ગુનો દાખલ કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી હીતેષ શાહ અને ફીરોજ શેખ અગાઉ રામોલ, બાપુનગર અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નકલી પોલીસના ગુનામાં પકડાયેલ છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને તેમણે આ સિવાય અન્ય કોઇ ગુનો આચર્યો છે કે કેમ, તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments