અમદાવાદમાં કારમાં અલગ-અલગ બ્રાન્ડની બોટલો વેચતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
તાજેતરમાં ગુજરાતના દારૂના મોટા ડીલર બંસીની ધરપકડ થઈ અને તેની સાથે સંકળાયેલા કેટલાક બેઇમાન લોકોના નામ ખુલવાના હતા. તેટલામાં તો તપાસ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગઈ અને હવે કોના નામ ખુલશે તેના પર સસ્પેન્સ છે. ત્યારે હવે બુટલેગર તો દૂર ખુદ પોલીસ જ બુટલેગરની ભૂમિકામાં આવી ગઈ છે. શાહીબાગ પોલીસ લાઈનમાં પોતાની કારમાં અલગ અલગ બ્રાન્ડની બોટલ વેંચતા હેડ કોન્સ્ટેબલને પોલીસે ઝડપી લીધો છે.જેના કારણે હવે પોલીસની ભૂમિકા જ શંકામાં આવી ગઈ છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડાની નૂતન પ્રકાશ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ઇશ્વરસિંહ વાઘેલા, શાહીબાગ પોલીસ લાઈનમાં પોતાની કારમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ રાખીને વેંચતા હતાં. આ અંગેની જાણ પોલીસ કન્ટ્રોલરૂમમાં થઇ હતી. રાતના ૮ વાગ્યાના અરસામાં શાહીબાગ પોલીસની એક ટીમ આ કન્ટ્રોલ મેસેજ મળ્યાની જગ્યાએ પહોંચી હતી.
જ્યાં અગાઉથી જણાવેલ પ્રમાણે ખુલ્લા મેદાનમાં એક સ્વીફ્ટ ડીઝાયર કાર પડી હતી. પોલીસના જવાનોએ ત્યાં જઈને કાર દરવાજાે ખખડાવતા કારમાં ડ્રાઇવર સીટ પર વિક્રમસિંહ બેઠા હતા. પોલીસે કારમાં તપાસ કરતા કારમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૫૨ બોટલ મળી આવી હતી. તેમજ વિક્રમસિંહના પાસેથી રોકડ રૂપિયા પણ મળી આવ્યા હતા. હાલ પોલીસ દારૂ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે હાલ શાહીબાગ પોલીસે ગુનો નોંધો તપાસ હાથ ધરી છે.
Recent Comments