અમદાવાદમાં ટેન્કરમાં વાલ્વનું સીલ તોડીને પામોલીન તેલની ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરાયું
અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં ટેન્કરમાંથી પામોલીન તેલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. કચ્છના અંજારમાંથી ૨૮૫૬૦ કિલો પામોલીન તેલ નડિયાદની કંપનીમાં જવા માટે નીકળ્યું હતું, પરંતુ ડ્રાઇવર અને ક્લિનરની રૂપિયા કમાવવાની ખોટી નિયતના કારણે તેમણે ટેન્કર નડિયાદ લઇ જવાના બદલે સરખેજ લઇ ગયા હતા. જ્યાં ૪૩૨૫ કિલો તેલ ચોરી લીધું હતું. ક્રાઇમ બ્રાંચે રફીકશા અહેમદશા ફકીર (રહે, રાણા સોસાયટી, સરખેજ), પીરારામ જાણી (રહે, રાજસ્થાન), મોહમદ ઇરફાન શેખ (રહે, ગાંધીધામ) અને મોહસીન પટેલ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, સરખેજ ઉજાલા સર્કલ પાસે સુવિધા એસ્ટેટમાં આવેલા રાજા કોર્પોરેશન નામની કંપનીમાં ચોરી કરેલા પામોલીન તેલનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ સુવિધા એસ્ટેટ ખાતે પહોંચી ગઇ હતી. જ્યાં રાજા કોર્પોરેશનના ગોડાઉન પાસે એક ટેન્કર ઉભું હતું. જેમાંથી કેટલાક શખ્સો પામોલીન તેલ કાઢી રહ્યા હતા.
ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક ટેન્કર પાસે પહોંચી ગઇ હતી અને રફીકશા ફરીક, પીરારામ જાણી અને મોહમદ ઇરફાન શેખની અટકાયત કરી લીધી હતી. ત્રણેયની પૂછપરછ કરતાં તેઓ તેલની ચોરી કરતાં હોવાનું સામે આવ્યુ હતું. પીરારામ ટેન્કરનો ડ્રાઇવર છે અન મોહમદ ઇરફાન ક્લિનર છે. કચ્છના અંજારમાં આવેલી કોફ્કો ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બન્ને નોકરી કરે છે. કોફ્કો કપનીમાંથી ૨૮૫૬૦ કિલો પામોલીન તેલ અંજારથી નડિયાદની આઇટીસી કંપનીમાં પહોંચાડવાની જવાબદારી પીરારામ અને મોહમદ ઇરફાનની હતી. બન્ને શખ્સો રફીકશાને ઓળખતા હતા. જેથી તેમણે તેલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. મોહસીન પટેલ નામના શખ્સના આદેશથી તેલ ચોરી કરવાનું ષડયંત્ર રચાયુ હતું અને ટેન્કર નડિયાદ જવાને બદલે સીધી સરખેજ પાસે ઉભી રહી હતી. ડ્રાઇવર અને ક્લિનરે ટેન્કરનો વાલ્વનું શીલ તોડી નાખ્યું હતું અને તેમાં પાઇપ ભરાવીને ગોડાઉનમાં તેલ ખાલી કરતા હતા. ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચને બે ટાંકી, બે મશીન તેમજ તેલ ભરવાના ડબ્બા મળી આવ્યા છે.
ટેન્કરથી તેલ સીધું ટાંકીમાં ખાલી થતું હતું. જેનો ક્રાઇમ બ્રાંચની ટીમે રંગે હાથ ઝડપી લીધું છે. જ્યારે પણ ડ્રાઇવર તેલનો જથ્થો લઇને નડિયાદ જતો હતો ત્યારે તે રાજા કોર્પોરેશનમાં ટેન્કર ઉભી રાખતો હતો. જેમાંથી પાંચ હજાર કીલો જેટલું તેલ રફીકશાને આપી દેતો હતો. ક્રાઇમ બ્રાંચે રેડ કરી ત્યારે તેમને ચોરીનું ૪૩૨૫ કિલો તેલ મળી આવ્યું છે. જેની કિંમત ૪.૪૧ લાખ રૂપિયા થાય છે. ટેન્કરમાં ૩૦ લાખની કિંમતનું ૨૮૫૬૦ કિલો તેલ હતું. ગઠીયાઓએ પોતના આર્થિક સ્વાર્થ માટે ટેન્કરમાં વાલ્વનું સીલ તોડી નાખ્યુ હતું અને તેલની ચોરી કરી લીધી હતી. રાજા કોર્પોરેશન નામની કંપનીની આડમાં રફીકશા ચોરીનું તેલ વેચતું હોવાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાચે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે તેલ પામોલીન છે કે પછી તેમાં કોઇ મિસાવટ છે. તે ચેક કરવા માટે એફએસએલની પણ મદદ લીધી છે. એફએસએલની ટીમે તેલના સેમ્પલ લઇને તેનું પરિક્ષણ કરવા માટે કચેરીએ મોકલી આપ્યું છે. પામોલીન તેલમાં મીલાવટ કરવાનું કૌભાંડ સામે આવી શકે છે.
Recent Comments