fbpx
ગુજરાત

અમદાવાદમાં તેલના ડબ્બામાં સંતાડેલો દારુ અને બિયરનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

અમદાવાદમાં કોરોના કાળમાં દારૂ તેમજ જુગાર સામે તવાઈ બોલાવતા જુદા જુદા વિસ્તારમાં પોલીસ સર્વેલન્સ ટીમો દ્વારા રેડ પાડી તપાસ હાથધરવામાં આવી રહી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બાતમીને આધારે પોલીસે તપાસ કરતા તેલના ડબ્બામાં ઈંગ્લીશ દારૂ છુપાવીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનું કૌભાંડ ઝડપાયું છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં લોડિંગ રિક્ષામાં તેલના ડબ્બામાં દારૂની હેરફર થતી હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસની ટીમે વાદળી રંગની લોડિંગ રિક્ષા અટકાવી તેની તપાસ કરતા તેલના ડબ્બાની આડમાં ઈંગ્લીશ દારૂ તેમજ બિયરનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાયો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક શખ્સ ફરાર હોવાનું જણાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ કૃષ્ણનગર પોલીસના સર્વેલન્સ સ્ટાફના પીઆઈ એ જે ચૌહાણ તેમજ સબ ઈન્સ્પેક્ટર વી એમ ગોહિલ બપોરના સમયે પેટ્રોલિંગમાં હતા તે વખતે લોકરક્ષક દ્વારા બાતમી આપવામાં આવી હતી કે, એક વાદળી રંગની લોડિંગ રિક્ષા (ય્ત્ન.૦૧.ડ્ઢફ. ૨૬૬૭) તેલના ડબ્બામાં ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો પેક કરીને ઉમા હોસ્પિટલ રોડથી આવી સાંઈ ચોક પાસેથી પસાર થઈ શ્રી રામ ચોત તરફ જનાર છે. પોલીસની ટીમે આ બાતમીને આધારે રિક્ષાચાલકને અટકાવી તપાસ કરતા તેલના ડબ્બામાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો હતો.

ઈંગ્લીશ દારૂની તેલના ડબ્બામાં હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા આરોપી બિપિનકુમાર શિવાભાઈ જાદવ (ઉ. ૪૪) પોતે ભગવતી નગર ઉદય ટેનામેન્ટ નવા નરોડા ખાતે રહેતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેની પાસેથી લોડિંગ રિક્ષામાં તેલના ડબામાં ૨.૪૦ લાખનો ઈંગ્લીશ દારૂની ૪૩૪ બોટલ, રૂ. ૭૦,૫૦૦ની કિંમતના ૨૩૫ બિયર ટીન ઉપરાંત લોડિંગ રિક્ષા, મોબાઈલ ફોન, ૮૦ નંગ પતરાના ડબ્બા સહિત કુલ ૪.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ બિપિન જાદવની ધરપકડ કરાઈ છે જ્યારે ચમનપુરામાં રહેતો અન્ય એક આરોપી રાકેશ સીતારામ ગુપ્તા વોન્ટેડ છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts