ગુજરાત

અમદાવાદમાં પીસીબીએ વડોદરા જતો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો, ટ્રક ડ્રાઈવરની ધરપકડ

અમદાવાદના રિંગરોડને અડીને આવેલા પોલીસ સ્ટેશન દારૂની હેરફેર માટે કુખ્યાત છે તેમાં પણ તાજેતરમાં આ પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટરો મૂકવામાં આવ્યા છે. ત્યારે આખે આખો ટ્રક આ પોલીસ સ્ટેશનની હદમાંથી બરોડા તરફ જઈ રહ્યો હતો. અમદાવાદની પીસીબીએ આ સંદર્ભમાં એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે જેણે પોલીસને જણાવ્યું હતું કે, તેને એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યા પછી એક કોલ કરવાનો હતો અને ત્યારબાદ આગળના રીસીવરનો નંબર મળવાનો હતો. હાલ આ ૨૫ લાખના મુદ્દામાલ સાથેનો દારૂ પીસીબીએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક વખત વિજિલન્સે દરોડા પાડ્યા છે. તેમજ અહીંયાથી પસાર થતા દારૂના ટ્રક અંગેની બાતમી પણ અનેક વખત બહાર આવી છે. ત્યારે ફરી એક વખત આખે આખો ટ્રક એમાં ૧૫ લાખથી વધુની કિંમતનો દારૂ મળી કુલ ૨૫ લાખનો મુદ્દા માલ હતો જે પીસીબીએ ઝડપી પાડ્યો છે.

પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે, આ વિસ્તારમાંથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે. જેથી દારૂની ગાડીનો પીછો કરીને રોકતા એમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૫ લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. બીજી તરફ આ દારૂની ઉપર બોક્સમાં માછલીઓ ગોઠવી દેવામાં આવી હતી. જેથી વાસના કારણે કોઈ આ ટ્રકને રોકે નહીં અને તેના પર શંકા પણ જાય નહીં. હાલ આ દારૂ કોણે મંગાવ્યો હતો તે ખબર નહીં પરંતુ વડોદરા જતો હતો તેટલું જાણવા મળ્યું છે. બીજી તરફ ડ્રાઈવરને એવી પણ સૂચના મળી હતી કે તેને અમદાવાદ હાઈવે પર ટ્રક ચડે ત્યારબાદ ફોન કોલ કરવાનો હતો અને તેને ત્યારબાદ આગળની સૂચના મળવાની હતી. હાલના સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts