અમદાવાદમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા, ૨૫થી ૩૦ જેટલી બસો રહી બંધ
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ સંચાલિત બીઆરટીએસ બસના ડ્રાઈવરો આજે સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ અને પગાર વધારાની માંગણીને લઈ હડતાળ પર ઉતરી જતા સવારે પૂર્વ વિસ્તારમાં બસ સેવાને આંશિક અસર થઈ હતી. ૫૦ જેટલા ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતાં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા કોન્ટ્રાક્ટ કંપનીને તાત્કાલિક અન્ય ડ્રાઈવરો મૂકી બસ શરૂ કરવા જાણ કરવામાં આવી છે. અમદાવાદ જન્મમાર્ગ લિમિટેડના જનરલ મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાં એ જણાવ્યું કે બીઆરટીએસ બસના છ ખાનગી કંપનીના ઓપરેટરો પૈકી એક કંપનીના ડ્રાઇવરો સવારે બોનસ અને પગાર વધારાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે ૨૫ થી ૩૦ જેટલી બસો બંધ રહી હતી. કંપની અને કર્મચારીઓ વચ્ચેનો આ મામલો છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડને આ બાબતે કોઈ લેવાદેવા નથી.
બસ સેવા પર અસર પડવાના કારણે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ કરી દેવામાં આવી છે અને અન્ય ડ્રાઇવરો મૂકી બસ સેવાને ફરીથી શરૂ કરવા જણાવી દેવામાં આવ્યું છે. હડતાલના કારણે બીઆરટીએસ બસ સેવા પર કોઈ મોટી અસર પડી નથી. આ અંગે મળતી માહિતી મુજબ બીઆરટીએસ બસના ખાનગી કોન્ટ્રાક્ટર જેબીએમ ઈલેક્ટ્રીક બસના ૫૦થી વધુ ડ્રાઇવરો સવારે હડતાલ પર ઉતરી ગયા હતા. ડ્રાઇવરોની માંગણી હતી કે તેમને કંપની દ્વારા જે પગાર અને બોનસ આપવામાં આવે છે તેમાં વધારો આપવામાં આવે. આ માંગણીના પગલે સવારથી પૂર્વ વિસ્તાર ડેપો પરથી ૩૦ થી ૪૦ બસો બહાર નીકળી ન હતી. જેના કારણે બીઆરટીએસ બસ સેવા પર આંશિક અસર પડી હતી. જાેકે ખાનગી કંપની અને કોન્ટ્રાક્ટરો વચ્ચે વાતચીત માટે અમદાવાદ લિમિટેડ દ્વારા જાણ કરી દેવામાં આવી છે અને અન્ય ડ્રાઇવરો મૂકી અને બસ સેવા શરૂ કરવામાં આવી છે.
Recent Comments