fbpx
ગુજરાત

અમદાવાદમાં યુવકને તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે કહી લોખંડની પાઇપથી માર મરાયો

“તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે,” તેમ કહીને કારમાં આવેલા ચાર લોકો એક યુવકને કારમાં બેસાડીને લઈ ગયા હતા. જે બાદમાં યુવકને ચાલુ ગાડીએ બીભત્સ ગાળો બોલી માર માર્યો હતો. એટલું જ નહીં, રેલવે પાટા પાસેની અવાવરૂ જગ્યાએ લઈ જઈને લોખંડની પાઇપ અને લાકડાના ડંડા વડે ગુપ્ત ભાગે તેમજ પીઠના ભાગે માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ કપડાં કાઢીને વીડિયો બનાવ્યા બાદ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પીડિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
બનાવની વિગતે વાત કરીએ તો ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ૨૪મી માર્ચના દિવસે સાંજે સાતેક વાગ્યાની આસપાસ તે યારા કા ઢાબાની સામે આવેલી સરકારી ચાવડી પાસે એક્ટિવા લઇને ઊભો હતો ત્યારે એક વર્ના કારમાંથી ત્રણ યુવકો ઉતરી તેની નજીક આવ્યા હતા. જેમાંથી એક યુવકે ફરિયાદીને ‘તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ બોલે છે’ તેમ કહીને ફરિયાદીને ગાડીમાં બેસાડ્યો હતો. ચાલુ ગાડીએ આરોપીઓએ ફરિયાદીને બીભત્સ ગાળો બોલી લાફા માર્યા હતા. બાદમાં ન્યૂ રાણીપ ખાતે આવેલા અગોરી પાન પાર્લર સામે લઈ ગયા હતા. જ્યાં પણ તેને ગડદાપાટુનો માર માર્યો હતો.

ત્યાંથી આરોપીઓ ફરિયાદીને ગાડીમાં રેલવે પાટા પાસેની અવાવરૂ જગ્યાએ ગોગા મહારાજના મંદિર પાસે લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ ફરિયાદીને વારાફરતી લોખંડની પાઇપ, ડંડા અને પટ્ટા વડે માર માર્યો હતો. એક આરોપીએ પહેરલું કડું ગરમ કરીને ફરિયાદીના ડાબા હાથના ખભા અને ગાલ પર ડામ આપ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના કપડાં કાઢીને વીડિયો પણ બનાવ્યો હતો.

આ મામલે અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે યુવકની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts