ગુજરાત

અમદાવાદમાં યુ.કેના વિઝાના નામે બેંગ્લોરની કંપનીએ ૮૦ લાખની રકમ ઠગી લીધી

બેંગ્લોરમાં યુ.કે સહિત અન્ય દેશોના વિઝાની કામગીરી કરતી કંપનીના સંચાલકોએ અશ્યામલ ચાર રસ્તા પાસે ઓફિસ ખોલીને યુવકો પાસેથી યુ.કેના વિઝા અપાવવાનું કહીને ૮૦ લાખની વધુની રકમ ઉઘરાવીને ઓફિસને રાતોરાત તાળા મારીને નાસી ગયાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલના મહાલયા ટેનામેન્ટમાં રહેતા ભાર્ગવભાઇ લિંબાચીયાને યુ. કે વર્ક પરમીટ માટે જવાનું હોવાથી એક વર્ષ પહેલા તેને સોશિયલ મિડીયા દ્વારા બેંગ્લોર સ્થિતક આઇઇફોરયુ ગ્લોબલ કંપની અંગે જાણકારી મળી હતી.

જે યુ.કેના વિઝા ૪૫ દિવસમાં કરી આપવાની ખાતરી આપતી હતી. જેથી ભાર્ગવભાઇએ કંપનીની અમદાવાદ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી આઇકોનીક શ્યામલ કોમ્પ્લેક્સ સ્થિત ઓફિસમાં તપાસ કરીને કંપનીના ડીરેક્ટર જુહાલ સિરાજ અને શ્રીજી શંકરણે વિઝા માટે ૨૦ લાખની રકમ નક્કી કરી હતી. જે તબક્કાવાર ચુકવી આપતા એક મહિનામાં વિઝાની ખાતરી આપી હતી.

પરંતુ, લાંબો સમય વીતી જતા ભાર્ગવભાઇને શંકા જતા તેમણે નાણાં પરત માંગ્યા હતા. જેથી બંને ડીરેક્ટરોએ ૨૫ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં નાણાં ચુકવી દીધાનું લેખિતમાં આપ્યું હતું. પરંતુ, આ દરમિયાન ભાર્ગવભાઇને જાણવા મળ્યું હતું કે કંપનીએ રાતોરાત શ્યામલ ચાર રસ્તાની ઓફિસને તાળા મારી દેવાયા હતા. આમ, બંને ગઠિયાઓએ અનેક યુવકો પાસેથી ૮૦ લાખથી વધુની રકમ લઇને છેતરપિડી આચરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગઠિયાઓએ એક કરોડથી વધારેની રકમની છેતરપિંડી આચરીને અનેક લોકોના અસર્લી પાસપોર્ટ અને સર્ટિફીકેટ પણ લઇ લીધા હતા. આ સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Related Posts