ગુજરાત

અમદાવાદમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું, બોર્ડની માફક ગોઠવાઈ બેઠક વ્યવસ્થા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી ૧૪ માર્ચથી શરૂ થવાની છે. તે અગાઉ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રિ-બોર્ડનું આયોજન કરવાના આવ્યું છે. આજથી અમદાવાદ શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો અને તિલક કરી મોઢું મીઠું કરાવી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવાના છે.

જેથી વિદ્યાર્થીઓના મનમાં બોર્ડની પરીક્ષા માટે કોઈ ડર ના રહે, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે તે માટે આજે અમદાવાદની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવી છે. આજથી શરૂ થનાર પરીક્ષા ૩ દિવસ સુધી ચાલશે. આ પરીક્ષામાં બોર્ડની જેમ હોલ ટિકિટ આપવામાં આવી છે. સ્કૂલમાં સુપરવિઝન બોર્ડ જેવું તથા એક સ્કોડ પણ બનાવવામાં આવી છે, જે આજની પરીક્ષા પર નજર રાખશે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય તેવું જ અનુભવ આજે વિદ્યાર્થીઓને થશે. ગણિત, વિજ્ઞાન અને ઈંગ્લીશ એમ ત્રણ મુખ્ય વિષયોની આજથી પરીક્ષા શરૂ થઈ છે.

અસારવામાં આવેલી વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં સવારે ૮ વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ સવારે ૭ઃ૪૦ સુધી સ્કૂલના કેમ્પસમાં પહોંચી ગયા હતા. પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને જરૂરી સૂચન આપી હોલ ટિકિટ ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બિલ્ડીંગની બહાર જ શિક્ષક દ્વારા તિલક કરીને મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્લાસમાં બેઠક વ્યવસ્થા પણ બોર્ડની માફક ગોઠવવામાં આવી હતી. ક્લાસમાં સુરવાઇઝર દ્વારા સપ્લીમેન્ટરી કઈ રીતે ભરવી તથા ક્યાં ખાનમાં કઈ વિગત લખવી તે તમામ માહિતી આપવામાં આવી હતી.

Related Posts